Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

દયાબેનની એન્‍ટ્રી થશે : પણ તેમાં નવી એકટ્રેસ જોવા મળશે

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા : નવી દયાબેન માટે ઓડિશન શરૂ થઇ ગયું છે અને ટૂંક સમયમાં એકટ્રેસને ફાઇનલ કરી દેવાશે

મુંબઇ તા. ૯ : ‘તારક મહેતાના ઉલ્‍ટા ચશ્‍મા'માં દયાબેનની વાપસીને લઈને ફેન્‍સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકાદ દિવસ પહેલાં જ ‘તારક મહેતા'ના ઓફિશિયલ એકાઉન્‍ટ ઉપરથી સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરીને જણાવ્‍યું હતું કે, દયાબેનની રિ-એન્‍ટ્રી થશે. જે બાદ ફેન્‍સમાં ભારે ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જો તમે શોમાં દયાબેન એટલે કે, દિશા વાકાણી પરત ફરશે તેવું વિચારતાં હોય તો, તમારા માટે માઠા સમાચાર છે. કેમ કે, શોના પ્રોડ્‍યુસર અસિત મોદીએ દિશા વાકાણીની વાપસી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને જાણીને તમને આંચકો જરૂરથી લાગશે. અસિત મોદીએ કહ્યું કે, દયાબેનનું કેરેક્‍ટર શોમાં પરત ફરશે, પણ તે દિશા વાકાણી નહીં હોય. દિશાના રિપ્‍લેસમેન્‍ટ માટેના ઓડિશન શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં દયાબેન તરીકે એક નવી એક્‍ટ્રેસ સામે આવશે.

દિશાએ ૫ વર્ષ પહેલાં શોમાંથી બ્રેક લીધો હતો, તો પછી દિશાના રિપ્‍લેસમેન્‍ટ માટે આટલો સમય કેમ લીધો? તે સવાલ પર જવાબ આપતાં અસિત મોદીએ કહ્યું કે, દિશાને રિપ્‍લેસ કરતાં આટલો સમય એટલાં માટે લાગ્‍યો કેમ કે, લગ્ન બાદ દિશાએ થોડા સમય માટે અમારી સાથે કામ કર્યું હતું. બાદમાં તેણે બ્રેક લીધો અને બાળકને જન્‍મ આપ્‍યો અને તેને ઉછેરવા માટે ફરીથી બ્રેક લીધો. તેણે ક્‍યારેય શો છોડ્‍યો નથી. અમને આશા હતી કે, તે પાછી ફરશે. પણ પછી કોરોના આવી ગયો. આ સમય દરમિયાન શૂટિંગ માટે અનેક પ્રકારના પ્રતિબંધો હતા. અમે તમામ સાવચેતીના પગલાં લીધો હોવા છતાં પણ, દયાએ કહ્યું કે, પાછું શૂટિંગમાં આવતાં તેને ડર લાગે છે.

વધુમાં અસિત મોદીએ કહ્યું કે, અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે લાંબા સમયથી શો સાથે સંકળાયેલી છે અને ટીમની સાથે પણ તેના સારા સંબંધો છે. અમે હંમેશા તેની વાપસી માટે આશાવાદી રહ્યા છે. અત્‍યારે પણ પેપરમાં તેણે લખીને આપ્‍યું નથી, અને તેના કેસમાં પેપરવર્કની કોઈ જરૂર પણ નથી કેમ કે, તે એક પરિવારની જેમ છે. તેણે હાલમાં જ બીજા બેબીને જન્‍મ આપ્‍યો છે અને હવે શોમાં પરત ફરી શકશે નહીં. દર્શકો નવી દયાબેનની શોધ માટે ભારે ઉત્‍સુક છે અને અમે ટૂંક સમયમાં એક્‍ટ્રેસને ફાઈનલ પણ કરી દઈશું. શોમાં નવા કેરેક્‍ટર અંગે દર્શકોને જાણવા મળશે. અમે અમારા દર્શકોને અપડેટ આપતાં રહીશું.

(10:22 am IST)