Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

‘તારક મેહતા…!’ ફેમ બબીતા વિવાદમાં ઘેરાઈ : ટ્વીટર પર #Arrest Munmun Dutta ટ્રેડ થવા લાગ્યું

વિવાદ થતા અભિનેત્રીએ કહ્યું દરેક વ્યક્તિની માફી માંગવા માંગુ છુ અને મને ભારી ભૂલ પર પસ્તાવો છે.

મુંબઈ : ટીવીની લોકપ્રિય સિરીયલ “તારક મેહતા કા ઉલટા ચશ્મા”માં બબીતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાના વિવાદોમાં ઘેરાઈ છે. વાસ્તવમાં અભિનેત્રીએ પોતાના એક વીડિયોમાં દલિત સમાજ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ દ્વારા બબીતાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. મુનમુન દત્તાના આ વીડિયો પર અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો અને ટ્વીટર પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થવા લાગ્યું છે.

જો કે આ વીડિયો પર બાદમાં મૂનમૂન દત્તાએ નિવેદન આપી માફી માંગી લીધી છે. જેમાં અભિનેત્રીએ લખ્યું છે કે, આ એક વીડિયોના સંદર્ભમાં છે. જેને મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા બોલાયેલા એક શબ્દનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે. આ અપમાન, ધમકી કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે નથી કહેવામાં આવ્યો. મને ખરેખર આ શબ્દનો અર્થ ખ્યાલ નહતો. એક વખત મને જ્યારે તેનો અર્થ સમજાયો, ત્યારે મેં તરત જ આ પાર્ટને હટાવી લીધો છે.

અભિનેત્રીએ વધુમાં લખ્યું છે કે, હું જાતિ, પંથ કે લિંગથી દરેક વ્યક્તિ પ્રત્યે મને અત્યંત આદર છે અને સમાજ કે રાષ્ટ્રમાં તેમના યોગદાનને હું સ્વીકારુ છું. હું પ્રામાણિક્તાથી એવી દરેક વ્યક્તિની માફી માંગવા માંગુ છુ અને મને ભારી ભૂલ પર પસ્તાવો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાના મેકઅપ વિશે વાત કરી રહી હતી. આ વીડિયોમાં અભિનેત્રી કહે છે કે, મારી પાસે લિપ ટિન્ટ છે, જેને મેં મારા ચહેરા પર બ્લશની જેમ લગાવી લીધુ છે, કારણ કે હું જલ્દી યૂટ્યૂબ પર ડેબ્યુ કરવા જઈ રહી છે. આ વીડિયોમાં બબીતાએ જાતિવિષયક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ વીડિયો બાદ અભિનેત્રી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ આ વીડિયોને જોઈને તેણીને ટ્રોલ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, મુનમુન દત્તા છેલ્લા 10 વર્ષથી તારક મેહતા શૉનો હિસ્સો રહી છે. જ્યાં દર્શકો તેના પાત્રને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

(10:30 pm IST)