Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દીપિકા પાદુકોણે તેના ઈન્સ્ટાગ્રામ, ટ્વિટરનું નામ બદલીને 'શાંતિપ્રિયા' રાખ્યું

અભિનેત્રીની ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'એ પુર્ણ કર્યા ૧૩ વર્ષ

મુંબઇ,તા. ૧૦: બોલીવુડ અભિનેત્રી  દીપિકા પાદુકોણ તેની ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના ૧૩ વર્ષ પુર્ણ થયા હોવાની ઉજવણી કરી રહી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ, ટ્વિટરનું નામ બદલીને 'શાંતિપ્રિયા' રાખ્યું છે. ફિલ્મમાં તેના પાત્રનું આ જ નામ હતું. એટલું જ નહીં, અભિનેત્રીએ ડિસ્પ્લે પિકચર પણ બદલ્યું છે અને અભિનેતા શાહરૂખ ખાન સાથેની તસવીર રાખી છે. 'ઓમ શાંતિ ઓમ'માં દીપિકા પાદુકોણની સાથે મુખ્ય ભૂમિકામાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન છે.

૧૩ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ'ઓમ શાંતિ ઓમ' ફકત પ્રશંસા જ નહોતી પામી પરંતુ બોકસ ઓફિસ પર પણ સુપરહીટ રહી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં શાંતિપ્રિયાની ભૂમિકામાં દીપિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફરાહ ખાને દીપિકાને તેની એકિટંગ ક્ષમતા બતાવવાની પુરેપુરી તક આપી હતી. આ પાત્ર માટે દીપિકાને અનેક એવોર્ડસ પણ મળ્યા છે. આ ખાસ દિવસને યાદ કરીને દીપિકાના ચાહકોએ 'કોમન ડિસ્પ્લે પિકચર' રાખ્યું છે.

દીપિકા પાદુકોણે ડેબ્યૂ ફિલ્મથી જ દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. ડેબ્યૂ ફિલ્મ પછી તેણે અનેક હીટ ફિલ્મો આપી છે. જેમાં તેણે પીકુ, મસ્તાની, રાણી પદ્માવતી, મીનામ્મા જેવા બહુમુખી અને શકિતશાળી પાત્રોથી લોકોનું મનોરંજન કર્યું છે. છેલ્લા ૧૩ વર્ષમાં દીપિકા અભિનેત્રી તરીકે ઉભરી છે.

(11:23 am IST)