Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

આઇકોનીક ડાન્‍સ અને દમદાર અભિયનથી કરોડો ફેન્‍સના દિલોમાં રાજ કરનાર ઋત્‍વિક રોશનનો આજે જન્‍મદિનઃ ડોક્‍ટરોએ ક્‍યારેય ફિલ્‍મોમાં કામ નહીં કરી શકે તેમ કહી દીધા બાદ અથાક સંઘર્ષ કર્યો

અમદાવાદઃ શાહરૂખ, સલમાન અને આમીર ખાનનો સિતારો જ્યારે બુલંદી પર હતો તે સમયે કહોના પ્યાર હૈ થી બોલીવુડમાં એન્ટ્રી કરીને રિતિક રોશને પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો કર્યો. પરુંતુ એક સમય હતો જ્યારે રિતિક રોશન બોલવામાં હકલા તો હતો અને લાંબા સમય સુધી સારવાર દરમિયાન તે બેડ પરથી પણ ઉભો થઈ શકતો નહોંતો. ડોક્ટરોએ કહી દીધું હતુંકે, તે ક્યારેય ફિલ્મોમાં કામ નહીં કરી શકે. જોકે, આ સ્થિતિની વચ્ચે અથાક સંઘર્ષ કરીને આજે રિતિક બોલીવુડમાં સુપર ડાન્સર, સુપરસ્ટાર અને સુપરહીરો બની ગયો.

કહોના પ્યાર હૈ, ક્રિશ, કોઈ મિલ ગયા, ધૂમ-2, કભી ખુશી કભી ગમ, જોધા અકબર, લક્ષ્ય, કાબિલ અને સુપર 30 જેવી સુપરહીટ ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને રિતિક રૂપેરી પડદે છવાઈ ગયો. રિતિક અને સુઝેન રોશન 14 વર્ષથી વધુ સમય સાથે રહ્યા પણ બન્ને વર્ષ 2014 માં છૂટા થઈ ગયા હતા. આ સમાચાર તેના ફેન્સ માટે પણ શોકિંગ રહ્યા હતા.રિતિક રોશનની આવનારી ફિલ્મમાં ક્રિશ 4 હશે જેની તૈયારી રિતિક રોશને ચાલુ કરી દીધી છે. રિતિક રોશનની કારકિર્દી જોઈને દરેક યુવા વર્ગે શીખવા જેવું છે કે તમે ભલે કોઈ મોટા ડિરેક્ટરના સંતાન હોવ તમારે સફળ રહેવા માટે સતત સંઘર્ષ કરતું રહેવું પડે છે.

પિતાના સહાયક બની કારકિર્દીની કરી શરૂઆત

રિતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974માં થયો હતો. રિતિક રોશનનું પૂરૂ નામ રિતિક રાકેશ નાગસ્થ હતું. રિતિક રોશન ઘરમાં હુલામણા નામ 'ડુગ્ગુ' થી  ઓળખાતો હતો. રિતિક રોશન બાળપણમાં મધુબાલા અને પરવીન બાબીના ફેન હતા. રિતિક રોશન 'ધર્મેન્દ્ર' ના પણ મોટા પ્રશંસક હતા. રિતિક રોશને આશા, ભગવાન દાદા અને 'આપ કે દિવાને' માં રિતિક રોશને 'બાળ કલાકારતરીકે અભિનય કર્યો હતો. રિતિક રોશને શરૂઆતમાં તેના પિતાની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકેની કામગીરી સંભાળી હતી. રિતિક રોશને પિતાને કરન અર્જુન અને કોયલા ફિલ્મમાં સહાયક તરીકે કામગીરી કરી હતી.

રિતિક રોશનનું હીરો બનવાનું સ્વપન હતું મુશ્કેલ

રિતિક રોશનને બાળપણમાં બોલવાની તકલીફ હતી તે બોલતા વખતે તોતડાતો હતો. કહેવાય છે કે આ તકલીફના કારણે ડૉકટરે રિતિક રોશનને કહ્યુ હતું કે- તે ક્યારેય પણ અભિનેતા બની શકશે નહીં. રિતિક રોશને તેની ખામી દૂર કરવા ખૂબ જ મહેનત કરી. રિતિક રોશન નિયમિત બોલવાની પ્રેકટીસ કરતો હતો. તમે જ્યારે 'કહોના પ્યાર હેજોશો તો તમે ઓબ્ઝર્વ કરશો કે રિતિક બોલવામાં થોડેક અંશે ખચકાતો હતો. રિતિકની સતત મહેનતના કારણે તેને સફળતા મળી અને પહેલી ફિલ્મથી રિતિક રોશન સુપરસ્ટાર બની ગયો.

કહો ના પ્યાર હેથી રિતિક બન્યો ઘરે ઘરે ઓળખાવા લાગ્યો

વર્ષ 2000માં એક એવા યુવા અભિનેતાની પહેલી ફિલ્મ આવી જેને ઇતિહાસ સર્જી દીધો.રાકેશ રોશને પોતાના પુત્રને લઈ ફિલ્મ બનાવી, ફિલ્મ હિટ જશે તેવો અંદાજો ડિરેક્ટર પિતા એ કદાચ રાખ્યો હશે પણ આ હદે ફિલ્મ સફળ થશે કે દરેકના મોં પર રિતિકનું નામ ચડી જશે તે તેમને સપનામાં પણ વિચાર્યું નહીં હોય. રિતિક રોશન સાથે જોડી બનાવનાર અભિનેત્રી અમીષા પટેલની પણ આ પ્રથમ ફિલ્મ હતી. બંનેની જોડી તો સુપરહિટ રહી પણ ફિલ્મના ગીતો ની કેસેટ પણ તે સમયે રેકોર્ડ બ્રેક વેચાઈ. દરેકના ઘરમાં , મોહલ્લામાં કહોના પ્યાર હેના ગીતો વાગવા લાગ્યા. આ ફિલ્મમાં રોહિતનું પાત્ર ભજવી રિતિક રોશન દેશની લાખો યુવતીનો ક્રશ બની ગયો. કહોના પ્યાર હે વર્ષ 2000માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. રિતિક રોશનને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ્સ તો મળ્યા પણ આ ફિલ્મે લીમ્કા બુક ઓફ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવ્યું છે.

એક ફિલ્મથી સ્ટાર બનેલા રિતિક રોશનને આવ્યા અધધધ લગ્નના માંગા

વર્ષ 2000 રિતિક રોશન માટે જબરદસ્ત સરપ્રાઈઝ આપનાર રહ્યું હતું.એકતરફ કહોના પ્યાર હે નું બ્લોકબસ્ટર બનવું અને યુવતીઓમાં તેનો ગાંડો ક્રેઝ થવો. રિતિક રોશને અનેક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી છે કે કહોના પ્યાર હે પછી તેના માટે એક કે બે નહીં પરંતું 30 હજાર છોકરીઓના માંગા તેના માટે આવ્યા હતા.રિતિક રોશને પણ તે જ વર્ષે તેની બાળપણની મિત્ર અને સંજય ખાનની પુત્રી સુઝેન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. રિતિક રોશને ત્યારબાદ ફિઝા, મિશન કાશ્મીર, યાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું જેમાં તેના અભિનયના વખાણ થયા. ત્યારબાદ વર્ષ 2012માં રિતિક રોશને પારિવારિક ફિલ્મ કભી ખુશી કભી ગમમાં શાહરૂખ ખાનના નાના ભાઈનો રોલ કર્યો.દર્શકોએ આ ફિલ્મ પણ વધાવી દીધી. દર્શકોને હવે રિતિક અને કરીના કપૂરની ફ્રેશ જોડી મળી ગઈ.રિતિક રોશનની કરીના કપૂર સાથે મુજસે દોસ્તી કરોંગે અને મે પ્રેમ કી દીવાનીમાં જોડી જોવા મળી.

હવે રાકેશ રોશને રિતિકને પાછી નવી ઓળખ આપી

રિતિક રોશન 2003 સુધીમાં સ્ટાર  બની ગયો હતો.તે સમયગાળામાં જ્યારે આટલી સફળતા મળી હોય ત્યારે કોઈ પણ અભિનેતા રોલમાં અખતરા ન કરે પણ રાકેશ રોશને રિતિક પાસે આ કામ પણ કરાવ્યું.રાકેશ રોશને રીતિકને લઈને કોઈ મિલ ગયા ફિલ્મ બનાવી. રિતિક રોશને આ ફિલ્મમાં એવા વ્યક્તિનો રોલ કર્યો જે ઉમરમાં તો મોટો થઈ ગયો પણ તેની માનસિકતા નાના બાળક જેવી હોય. ફિલ્મમાં તેની હિરોઈન પ્રીતિ ઝિન્ટા હતી.આ ફિલ્મે પણ જબરદસ્ત સફળતા મેળવી. જેમ સલમાન ખાન માટે પ્રેમનું પાત્ર અમર થયું તેમ રિતિક રોશન માટે રોહીત નામ તેની ઓળખ બની ગઈ.

ભારતને મળ્યો પહેલો સુપરહીરો

રિતિક રોશન ની કોઈ મિલ ગયા સુપરહિટ થયા બાદ પિતા રાકેશ રોશને આ સફળતાને અજમાવી અને તેનો પાર્ટ 2 બનાવ્યો. વર્ષ 2006 માં એવી એક ફિલ્મ રિલીઝ થઈ જેમાં આ વખતે સુપરહીરો ભારતીય હતો. બાળકોમાં તે સમયે સ્પાઇડર મેન અને બેટમેનના ફેન હતા તેમ હવે લોકોને ભારતીય સુપરહીરો મળ્યો   ક્રિશ તરીકે. રિતિક રોશન ફિલ્મમાં ખાસ શકિતઓ સાથે જોવા મળ્યો.ક્રિશનો સુપરહીરોનો અંદાજ દર્શકોને ખૂબ ગમ્યો. નાના  બાળકો ક્રિશ બનીને ફરવા લાગ્યા તે વાત જ સાબિત કરે છે કે ફિલ્મ કેટલી હિટ થઈ હશે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ટંકશાળ પાડી હતી. ક્રિશમાં રિતિક સાથે પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. ત્યારબાદ વર્ષ 2013માં ક્રિશનો પાર્ટ 3 પણ રિલીઝ થયો હતો.

એશ્વર્યાં રાઈ બચ્ચન સાથે રિતિકની જોડી રહી સુપરહિટ

રિતિક અને એશ્વર્યાં સૌથી પહેલા ધૂમ 2 માં સાથે જોવા મળ્યા. ધૂમ 2 માં રિતિકના નેગેટિવ રોલ અને તેના એક્શન સ્ટંટથી રિતિકના સ્ટારડમમાં જબરદસ્ત ઉછાળો રહ્યો.ધૂમ 2માં રિતિક રોશનની ગઝબની ડાંસ સ્કીલ અને એશ્વર્યાં સાથેની સિઝલિંગ કેમેસ્ટ્રીએ દર્શકોને ઘેલા કર્યા હતા. ત્યારબાદ બંને એ જોધા અકબર માં સાથે કામ કર્યું અને આ ફિલ્મમાં બંનેની જોડી ફરીથી સુપરહિટ થઈ ગઈ.રિતિકની બેસ્ટ એક્ટિંગ વાળી ફિલ્મની યાદીમાં જોધા અકબરનું નામ ચોકકસથી આવે. રિતિક અને એશ્વર્યાં ગુઝારિશમાં જોવા મળ્યા.ગુઝારિશમાં રિતિક રોશને પોતાના પાત્રમાં પ્રાણ ફુંકી દીધા હતા. આ ફિલ્મને વિવેચકોએ ખૂબ વખાણી હતી.રિતિક રોશને ફિલ્મમાં ગંભીર બીમારીથી પીડાતા દર્દીનો રોલ નિભાવ્યો હતો.રિતિક રોશનનું શ્રેષ્ઠ પરફોર્મન્સ જોવું હોય તેને ગુઝારિશ અવશ્ય જોવી જોઈએ.

રિતિક રોશનની ફિલ્મ પસંદગી રહી હટકે

રિતિક રોશને તેની કારકિર્દીમાં અનેક હટકે ફિલ્મો કરી.રિતિક તેના કરિયરમાં અનેક પાત્રો ભજવ્યા. તે પછી કાઇટ્સ,અગ્નિપથ,જિંદગીના મિલેગી દોબારા, બેંગ બેંગ, કાબિલ હોય કે પછી વોર હોય. જોકે, આ સાથે જ કંગના રનૌત સાથેના તેના અફેરની વાતો પણ હંમેશા ભારે ચર્ચામાં રહી.

સુપર 30માં રિતિક રોશનનો અલગ અંદાજ જોવા મળ્યો

એશિયા ના સૌથી સેક્સીએસ્ટ હીરોનું ટાઇટલ જે હીરોને મળ્યું હોય, યુવાઓ ફિટનેસ માટે જેને પોતાનો રોલ મોડલ માનતી હોય અને લાખો લોકો તેના ડાંસના દિવાના હોય તે રિતિક રોશને સુપર 30 કરીને લોકોને આશ્ચર્ય ચકીત કરી દીધા. રિતિક રોશને  ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક પર બનેલી ફિલ્મમાં આનંદ કુમારનું પાત્ર ભજવ્યું. એક સામાન્ય ટીચર ખરાબ પરિસ્થિતિ માં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય બનાવી શકે છે તેવો સુંદર સંદેશો આપતી ફિલ્મમાં રિતિક રોશને આનંદ કુમારનું પાત્ર બખૂબીથી ભજવ્યું કે કોઈને લાગે નહિ કે આ એ જ રિતિક રોશન છે જેને દર્શકોએ વોર ફિલ્મમાં  જોયો હતો.

(5:26 pm IST)