Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

નાના રોલ માટે મળી તગડી રકમ

RRRમાં ૭ દિવસ શૂટિંગ કરવાના અજય દેવગણે ૩૫ કરોડ લીધા : આલિયાએ ૨૦ મિનિટના ૯ કરોડ લીધા

મુંબઇ,તા. ૧૨ : બાહુબલિ બાદ સાઉથના ફિલ્મ મેકર એસ આર રાજામૌલિ RRR લઈને આવી રહ્યા છે. કોરોના ઈન્ફેકશન વધી રહ્યું હોવાથી બીજી વખત તેની રિલિઝ પોસ્પોન થઈ છે, પરતુ ફિલ્મમાં ટેકનોલોજી અને સેટ્સ સહિતના ખર્ચા સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં બહાર આવેલી વિગતો મુજબ, રાજામૌલિએ ફિલ્મમાં રોલ માટે અજય દેવગણ અને આલિયા ભટ્ટને અધધધ ફી ચૂકવી છે. આલિયા ભટ્ટ મુંબઈના પ્રોડ્યુસર્સ પાસેથી એક ફિલ્મ માટે જેટલી ફી લેતી હોય છે, તેટલી ફી તેને RRRમાં નાના રોલ માટે અપાઈ છે. RRRના પ્રમોશનમાં તેને લીડિંગ લેડી તરીકે રજૂ કરાઈ છે, પરતુ ફિલ્મમાં તેનો રોલ માંડ ૨૦ મિનિટનો છે અને આટલા નાના રોલ માટે તેને રૂ. ૯ કરોડ અપાયા છે. ફિલ્મમાં અજય દેવગણની હાજરી સ્ટ્રેટેજિક મનાય છે. ફિલ્મમાં તેનો રોલ ગેસ્ટ એકટર જેવો છે, પરંતુ કેરેકટર ડેવલપમેન્ટ અને ઈમ્પેકટની દૃષ્ટિએ અજયની ભૂમિકા મહત્ત્વની છે. ફિલ્મ માટે તેણે સાત દિવસ કામ કર્યું હતું અને તેના માટે મેકર્સે રૂ.૩૫ કરોડ ચૂકવ્યા હતા. સોર્સીસના જણાવ્યા મુજબ, નોર્થ ઈન્ડિયન ઓડિયન્સને એટ્રેકટ કરવા માટે આલિયા અને અજયનો ઉપયોગ થયો છે.

અગાઉ નિયત થયેલા સમય મુજબ સાતમી જાન્યુઆરીએ જ ફિલ્મને રિલિઝ કરવા રાજામૌલિ મક્કમ હતા, પરંતુ કે કોવિડ પેન્ડેમિકે અપેક્ષા કરતાં વધારે તકલીફો ઊભી કરી અને ફિલ્મને પોસ્ટપોન કરાઈ ત્યારે રિલિઝને માંડ અઠવાડિયું બાકી હતું. જો કે આ સમય દરમિયાન પબ્લિસિટી કેમ્પેઈન પાછળ પ્રોડ્યુસર્સે ૧૮થી ૨૦ કરોડનો ખર્ચ કરી નાખ્યો હતો. આંધ્રપ્રદેશની બહાર ફિલ્મના પ્રમોશન માટે રામ અને તારકને લઇ જવા માટે કરેલા રૂ. ૨-૩ કરોડના ખર્ચનો પણ  આમાં સમાવેશ થાય છે. ફિલ્મના ડિરેકટર્સને ખબર હતી કે, બે લીડ એકટર્સનો ફેન બેઝ આંધ્ર બહાર ઓછો છે. તેથી મુંબઈ તથા અન્ય શહેરોમાં મીડિયા અને માર્કેટિંગ ઈવેન્ટ્સ માટે આંધ્રપ્રદેશથી ફેન્સને બોલાવાયા હતા અને તેમને લકઝરી હોટલમાં સ્ટે અપાયો હતો. જેથી તેઓ એકટર્સને ચીયર કરી શકે. ફિલ્મ પોસ્ટપોન થવાના કારણે રામ ચરન અને એનટીઆર નિરાશ થયા હતા. અગાઉ ૧૩ ઓકટોબર, ૨૦૨૧ના રોજ ફિલ્મને રિલિઝ કરવાની હતી. આ બીજી વખત તેની રિલિઝ ડેટ પોસ્ટપોન થઈ છે.

(10:00 am IST)