Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

જનતા ઈચ્છશે તો બની જઈશ થલાઈવી : કંગના

કંગનાએ રાજકારણમાં ઉતરવાના સંકેત આપ્યા

હું એક રાષ્ટ્રવાદી છું અને દેશ માટે બોલું છું, હું રાજનેતા છું એટલા માટે નહીં, પણ હું એક જવાબદાર નાગરિક છું

મુંબઈ : કંગના રનૌત હાલ પોતાની ફિલ્મ થલાઈવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેણે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી 'જયલલિતા'નો રોલ ભજવ્યો છે. કંગના રનૌતે સંકેત આપ્યો કે, તે પણ જયલલિતાની જેમ રાજકારણમાં ઉતરી શકે છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કંગનાની સાથે ફિલ્મના પ્રોડ્યુસર વિષ્ણુ વર્ધન ઈન્દુરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં કંગના સિલ્ક સાડીમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. જો કે, પ્રેસને સંબોધન કરતાં પહેલાં કંગનાએ કહ્યું કે, મારી તબિયત ઠીક ન હોવાને કારણે અવાજ ધીમો પડી ગયો છે. આમ કોરોનાને કારણે નહીં પણ ઠંડીને કારણે થયું છે. કંગનાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, હું એક રાષ્ટ્રવાદી છું અને દેશ માટે બોલું છું. હું રાજનેતા છું એટલા માટે નહીં, પણ હું એક જવાબદાર નાગરિક છું એટલા માટે બોલું છું. જ્યાં સુધી રાજકારણમાં પ્રવેશવાનો સવાલ છે, તો તેના માટે મને જનતાનો પ્રેમ અને સમર્થન જોઈએ, પણ હાલમાં હું એક એક્ટ્રેસ બનીને ખુશ છું. પણ જો લોકો મને પસંદ કરે છે, અને મારું સમર્થન કરે છે, તો નિશ્ચિત રીતે મને સારું લાગશે. થલાઈવી ફિલ્મમાં તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના રોલ વિશે કંગના કહે છે કે, 'થલાઈવી' જયલલિતાના ફિલ્મથી લઈને રાજકારણ સુધીના સફરની કહાની પર આધારિત છે. પણ તેનો અર્થ એ નથી કે, આ ફિલ્મ પુરૂષ પ્રધાન સમાજથી સંબંધિત કોઈપણ માનસિકતાને બદલવાનો પ્રયાસ કરવાનો નથી. ફિલ્મમાં એ ખાસ કરીને એ દેખાડવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ વિશે લોકો વિચારતા હતા કે, તે ક્યારેય રાજનેતા નહીં બની શકે અને ન તો રાજ્યને સંભાળી શકશે, પણ તે મહિલા ન ફક્ત મુખ્યમંત્રી બની પણ અનેક વખત ચૂંટણીઓ પણ જીતી. રાજકારણમાં તેમના ગુરૂ -એમજીઆર- એ હંમેશા તેમને સમર્થન આપ્યું. આ ફિલ્મ દેખાડે છે કે, સમાજમાં એવાં પણ પુરૂષ છે કે, જે એક મહિલાને જીવનમાં આગળ વધવા માટે આટલી સહાયતા કરે છે. ફિલ્મને લઈ કોઈ વિવાદ ન થવાના પ્રશ્ન પર કંગનાએ કહ્યું કે, તેનો તમામ શ્રેય ફિલ્મના નિર્દેશકને જાય છે, કેમ કે, જે લોકો અત્યારે રાજકારણમાં છે, તેઓને પણ આ ફિલ્મથી કોઈ સમસ્યા નથી. આ ફિલ્મમાં કામ કર્યાં બાદ રાજકારણ અને રાજનેતાઓને લઈને મારી ધારણાઓ બદલાઈ ગઈ છે.

(12:27 pm IST)