Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ફિલ્મ 'સડક-૨'નું ટ્રેલર રિલીઝઃ ૩૦ લાખથી વધુ લોકોએ ડીસ્લાઈક કર્યુઃ ફિલ્મ જગતમાં પ્રથમ ઘટના

મુંબઈઃ સંજય દત્ત અને પૂજા ભટ્ટને ચમકાવતી મહેશ ભટ્ટની ૧૯૯૧ની ફિલ્મ 'સડક'ની સીકવલ 'સડક-૨'નું ટ્રેલર યુટયુબ પર રિલીઝ થતાં જ એના પર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત પસ્તાળ પડી છે. આ ટ્રેલરને લાખો લોકો ડિસ્લાઈક કરી ચૂકયા છે, એને વધુને વધુ ડિસ્લાઈક કરવામાં આવે એ માટે રીતસરનું અભિયાન શરૂ થયું છે અને આ ફિલ્મની ઠેકડી ઉડાડતી પોસ્ટ અને કમેન્ટ્સ સોશ્યલ મીડિયામાં અલગ- અલગ પ્લેટફોર્મ્સ  પર પોસ્ટ થઈ રહી છે.

આ ફિલ્મના પ્રોડયુસર ફોકસ સ્ટાર સ્ટુડિયોઝની ફોકસસ્ટાર હિન્દી નામની યુટયુબ ચેનલ પર 'સડક-૨'ના ટ્રેલરને ૧૦ કલાકમાં ૬૭ લાખ લોકોએ જોયું છે, જેમાંથી માત્ર ૧,૭૭,૦૦૦ લોકોએ ને લાઈક કર્યું છે અને અધધધ ૩૦ લાખ લોકોએ એને ડિસ્લાઈક કર્યું છે. કોઈ ફિલ્મના ટ્રેલરને આટલી ડિસ્લાઈકસ મળી હોય એવું આજ પહેલાં જગતની કોઈ ફિલ્મ માટે નહીં બન્યું હોય.

'સડક-૨'માં 'સડક'નાં ઓરિજિનલ હીરો- હિરોઈન સંજય દત્ત- પૂજા ભટ્ટ તો છે જ અને સાથે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર પણ છે. આ ફિલ્મ મહેશ ભટ્ટ બે દાયકા પછી ડિરેકશન ક્ષેત્રે પાછા ફર્યા છે. આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે નાના પડદે ડિઝની + હોટસ્ટારના પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

(12:57 pm IST)