Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ ઉપર કોરોનાની એન્ટ્રીઃ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહનો રિપોર્ટ પોઝીટીવઃ ૧૫ દિવસ સુધી શુટિંગ અટકાવવાનો નિર્ણય

નવી દિલ્હી: કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહામારી વચ્ચે સેલેબ્રિટીઓ પણ બાકાત નથી. ટીવી ઈન્ડસ્ટ્રીથી કોઈને કોઈ કોરોના પોઝિટિવ થયાના સમાચાર આવતા રહે છે. હવે સમાચાર આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

ગોલીને થયો કોરોના

તાજા સમાચાર મુજબ શોમાં ગોલીનું પાત્ર ભજવનારા કુશ શાહને કોરોના થયો છે. ગોલી શોમાં ડોક્ટર હાથીના પુત્ર છે. નવી ગાઈડલાઈન્સ મુજબ શુટિંગ શરૂ થતા પહેલા તમામ કલાકારોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો હતો. ગત 9 એપ્રિલના રોજ સોના ક્રુ મેમ્બર્સ અને સ્ટાર કાસ્ટનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં કુશ સહિત ટીમના 3 અન્ય સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

આસિત મોદીનો જવાબ

હવે આ રિપોર્ટને લઈને શોના પ્રોડ્યુસર આસિત મોદીનું કહેવું છે કે સેટ પર પૂરેપૂરી સાવધાની વર્તવામાં આવી રહી છે. જો કોઈ થોડું પણ બીમાર પડે છે તો તેને ઘરે રહીને આરામ કરવાની સલાહ અપાય છે. આસિતે કહ્યું કે કુશ અને પ્રોડક્શન ટીમના જે પણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમણે પોતાને ઘર પર ક્વોરન્ટિન કર્યા છે.

15 દિવસ સુધી શુટિંગ નહીં થાય

આસિતે વધુમાં કહ્યું કે આગામી 15 દિવસ સુધી શુટિંગ થશે નહીં. જનતા કર્ફ્યૂ દરમિયાન અને તેના થોડા દિવસ બાદ સુધી શોનું શુટિંગ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મરાઠી અને તેલુગુમાં પણ આવશે શો

અત્રે જણાવવાનું કે આ શો હવે તેલુગુ અને મરાઠી વર્ઝનમાં પણ રિલીઝ થવાનો છે. મરાઠી અને તેલુગુમાંઆ શોને રિલીઝ કરવા પાછળનો હેતુ એ છે કે રિજિઓનલ દર્શકોને પણ શો તરફ ખેંચી શકાય. એટલું જ નહીં મેકર્સની એવી પણ યોજના  છે કે બીજી સ્થાનિક ભાષાઓમાં પણ આ શોને રજુ કરવામાં આવે.

(4:46 pm IST)