Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

રમૂજી અંદાજમાં જાણકારી આપી : એપ્રિલમાં મહાનાયક બીગ બી, ઐશ્વર્યા રાય અને જયા બચ્ચને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

મુંબઈ,તા.૧૬ : બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે. અમિતાભ બચ્ચને ગત મહિને વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને હવે બીજો ડોઝ લેતાં તેમનું સંપૂર્ણ વેક્સીનેશન થઈ ગયું છે. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર રસી લેતી તસવીર પોસ્ટ કરીને ફેન્સ અને ફોલોઅર્સને જાણકારી આપી છે કે તેમણે બીજો ડોઝ લઈ લીધો છે. રસી લેતી વખતની તસવીર શેર કરતાં અમિતાભ બચ્ચને રમૂજ પણ કરી છે. બિગ બીની આ જૉક ક્રિકેટપ્રેમીઓ તરત સમજી જશે. તસવીરમાં જોઈ શકો છો કે, બિગ બીએ ગ્રીન ટી-શર્ટ, બ્લેક ટ્રેક પેન્ટ, બ્લેક માસ્ક અને બ્લેક રંગનું બંદાના હેડબેન્ડ પહેર્યું છે. આ તસવીર શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, *બીજો પણ થઈ ગયો. કોવિડવાળો, ક્રિકેટવાળો નહીં! સોરી સોરી આ ખૂબ ખરાબ જૉક હતો. જણાવી દઈએ કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં અભિષેક બચ્ચન સિવાય બચ્ચન પરિવારના બધા જ (૪૫ ) સભ્યોએ કોરોનાની રસી લીધી હતી.

             અભિષેક બચ્ચન શૂટિંગ માટે મુંબઈની બહાર હોવાથી તે રસી લઈ નહોતો શક્યો. ગત વર્ષે જયા બચ્ચનને બાદ કરતાં આખો બચ્ચન પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન અમિતાભ બચ્ચન દેશને કોરોના સામે લડવામાં પણ મદદ કરી રહ્યા છે. તેમણે પોલેન્ડથી ૫૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ મગાવ્યા હતા અને મુંબઈમાં દાન કર્યા હતા. તે પહેલા અમિતાભ બચ્ચને દિલ્હીમાં એક ગુરુદ્વારા શરૂ કરવામાં આવેલી કોવિડ ફેસિલિટીમાં પણ ૨ કરોડ રૂપિયા દાન કર્યા હતા. હાલ તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકિનારે ટકરાઈ ચૂક્યું છે. વાવાઝોડની અસર રૂપે મુંબઈમાં વરસાદ વરસ્યો છે. ત્યારે અમિતાભ બચ્ચને સૌને ચેતવણી પણ આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. મુંબઈમાં વરસાદ છે મહેરબાની કરીને સુરક્ષિત રહેજો. હંમેશની જેમ પ્રાર્થના કરી રહ્યો છું.

(7:31 pm IST)