Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં દેખાડવામાં આવતી ગડા ઇલેકટ્રોનિક્સ અસલમાં ખાર વિસ્તારમાં આવી છેઃ અસલ માલિકનું નામ છે શેખર ગડિયાર

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એક વેપારી છે અને તેમની ઈલેક્ટ્રોનિક્સની દુકાન છે. જેઠાલાલ ગડા ઈલેક્ટ્રોનિક્સ દુકાનના માલિક છે. તેમની દુકાન કોઈ શૂટિંગનો સેટ નથી પરંતુ અસલમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન છે. બસ ફરક માત્ર એટલો છે કે અસલમાં દુકાનના માલિક જેઠાલાલ ગડા નથી. ખાસ વાત છે કે દુકાનનું અસલ નામ પણ ગડા ઈલેક્ટ્રોનિક્સ છે.

ખાર વિસ્તારમાં છે દુકાન

ગડા ઈલેક્ટ્રોનિક્સની દેખરેખ જેઠાલાલની સાથે સાથે નટુકાકા અને બાઘા કરતા જોવા મળતા હોય છે. દરેક એપિસોડમાં દેખાડે છે કે જેઠાલાલ ઘરેથી તૈયાર થઈને પોતાની દુકાને જાય છે. સીરિયલમાં જે દુકાનનો વારંવાર ઉલ્લેખ થાય છે તે અસલમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી દુકાન છે.

અસલ માલિક છે કોઈ બીજુ

દુકાનના અસલ માલિકનું નામ શેખર ગડિયાર છે. તેમણે પોતાની દુકાન શોના મેકર્સને ભાડે આપેલી છે. શેખરનું કહેવું છે કે પહેલા દુકાનનું નામ શેખર ઈલેક્ટ્રોનિક્સ હતું પરંતુ શૂટિંગ બાદ જ્યારે દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના નામથી જાણીતી થઈ તો તેનું નામ પછી ગડા ઈલેક્ટ્રોનિક્સ કરી દેવાયું.

જે આવે છે તે ફોટો જરૂર પાડીને જાય છે

ગડા ઈલેકટ્રોનિક્સના માલિક શેખર ગડિયારનું કહેવું છે કે પહેલા તેમને દુકાન ભાડે આપતા બીક લાગતી હતી. તેમને ડર હતો કે ક્યાંક કઈક તૂટવાથી નુકસાન થાય. પરંતુ આવું ક્યારેય બન્યું નહીં. ખુબ ધ્યાન રાખીને શૂટિંગ કરાય છે. શોના કારણે હવે દુકાનમાં ગ્રાહકો કરતા વધુ તો ટુરિસ્ટ આવવા લાગ્યા છે. જે પણ આવે છે તે ફોટો પાડવાનું ભૂલતા નથી.

અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના તમામ પાત્રો ખુબ લોકપ્રિય બન્યા છે. બધાના અલગ અલગ ફેન ફોલોઈંગ છે. ફેન્સ બધાને ખુબ પ્રેમ આપે છે. હાલ સીરિયલમાં દવાઓના કાળાબજારી પર ફોકસ છે. શોનું શૂટિંગ કોઈ રિસોર્ટમાં ચાલુ છે. અનેક નવા લોકોની શોમાં એન્ટ્રી પણ થઈ છે.

(5:53 pm IST)