Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પૌરાણિક કથાઓ આધારિત ફિલ્મ સીતામાં લીડ રોલ કરવાના મામલે કરીના કપૂર ખાનના વિરોધમાં નાગપુરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ જિલ્લા અધિકારીને આવેદન આપી ચેતાવણી આપી

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. તેવામાં તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. થોડાક દિવસ પહેલા એક ખબર આવી હતી કે કરીના પૌરાણિક કથાઓ આધારિત ફિલ્મ સીતામાં લીડ રોલમાં કામ કરી શકે છે. જેના માટે કરીનાએ તગડી ફીની પણ માગ કરી છે. આ ખબર પછી કરીના કપૂરના વિવાદ વધી ગયા.

બજરંગ દળ ભડકી ઉઠ્યું

હવે આ વિવાદ એટલો વધી ગયો છે કે બજરંગ દળ પણ કરીના કપૂર ખાન પર ભડકી ઉઠ્યું છે. નાગપુરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ કરીના કપૂર ખાનના વિરોધમાં જિલ્લા અધિકારીને આવેદન આપી ચેતાવણી આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલમાં જ બજરંગ દળના એક કાર્યકર્તાનું કહેવું છે કે હિન્દુ સમાજ પર વારંવાર બોલિવૂડ ફિલ્મ્સ બનાવવામાં આવે છે. પહેલા તાંડવ બનાવવામાં આવી જેમા કરીના પતિ સૈફ અલી ખાન હતા. હવે સીતા ફિલ્મ બની રહી છે જેમા કરીના કપૂર ખાન છે. મુસ્લિમ સમાજના લોકો કેમ વારંવાર હિન્દુ કેરેક્ટરમાં જોવા મળે છે? આના કારણે અમારા સમાજને ક્ષતિ પહોંચે છે.

વધુમાં તેઓએ કહ્યું કે આ જિહાદી માનસિક્તા વાળા લોકો છે. આ લોકો હિન્દુ સમાજ માટે અપશબ્દ બોલે છે. અને હિન્દુ સમાજ મારફતે આ લોકો કરોડો રૂપિયા પણ કમાય છે. અમે આ ફિલ્મનો સખત વિરોધ કરીએ છીએ. જો આ ફિલ્મ બની તો તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કરીનાનો બોયકોટ કરવામાં આવ્યો હતો

મહત્વનું છે કે કરીના કપૂરને આ પહેલા આ રોલ માટે 12 કરોડ રૂપિયા ફી માગવા પર સોશિયલ મીડિયામાં તે ટ્રોલ થઈ હતી. યુઝર્સે તેઓને બોયકોટ કરવાનું શરૂ કરી દિધું હતું. તેવામાં #BoycottKareenaKapoorKhan ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયુ હતું. લોકો કરીના કપૂરને ના માત્ર આ કેરેક્ટરમાં નથી જોવા માગતા પણ આટલી મોટી ફીની માગ પણ લોકોને પસંદ ના આવી.

કરીનાને આ ફિલ્મ ઓફર થઈ જ નથી

મહત્વનું છે કે એક બાજુ કરીનાને સીતાના કેરેક્ટરને લઈ અનેક વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે કરીનાને આ રોલની ઓફર ક્યારે થઈ જ નથી. ફિલ્મના લેખક કે. વી. વિજેન્દ્ર પ્રસાદનું કહેવું છે કે કરીનાને ક્યારેય આ ફિલ્મની ઓફર થઈ નથી. તેમની આ પ્રતિક્રિયા હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થઈ જ નથી રહ્યો.

(4:38 pm IST)