Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

૩૦૦૦ કરોડની પ્રોપર્ટી અને ૪૩ કરોડ રૂપિયાનું ઘરઃ આવી લકઝરીયસ છે સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની લાઈફ

અભિનેતા નાગાર્જુન ન માત્ર ફિલ્મો પરંતુ પોતાની લાઈફસ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે

હૈદ્રાબાદ, તા.૨૦: આજે વાત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ ગણાતા અભિનેતા નાગાર્જુનની જે ન માત્ર ફિલ્મો પરંતુ પોતાની લાઈફસ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે.  તમને જણાવી દઈએ કે નાગાર્જુન  ન માત્ર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર છે પરંતુ બોલીવૂડમાં પણ પોતાની એકિટંગનો જલવો બતાવી ચૂકયા છે. વર્ષ ૧૯૯૨માં આવેલી ફિલ્મ ખુદા ગવાહમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સાથે નાગાર્જુન પણ જોવા મળ્યા હતા. ત્યારે તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. તમને જણાવી દઈએ કે નાગાર્જુન હૈદરાબાદના પોશ ફિલ્મ નગર વિસ્તારમાં રહે છે. અભિનેતા નાગાર્જુન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટુ નામ છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ૩ દશક કરતા વધારે સમય પસાર કરનાર નાગાર્જુનની નેટવર્થ આજની તારીખે ૩૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. નાગાર્જુન ન માત્ર ફિલ્મો પરંતુ પોતાના ભાઈ અક્કિનેની વેંકટ રત્નમ સાથે મળીને એક ફિલ્મ પ્રોડકશન હાઉસ પણ ચલાવે છે. તમને જણાવી દઈએ કે તમિલ ફિલ્મોમાં હાઈએસ્ટ પેડ એકટર્સમાં સામેલ નાગાર્જુન જે ઘરમાં રહે છે તેની કિંમત ૪૩ કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. નાગાર્જુનના આ ઘરમાં તે દરેક સુવિધાઓ છે જેની સામાન્ય માણસ માત્ર કલ્પના જ કરી શકે છે.

વાત અભિનેતા નાગાર્જુનની કારની કરીએ તો અભિનેતા પાસે રેંજ રોવરની ઈવોકથી લઈને આશરે ૧ કરોડની કિંમતની ઓડી એ૭ પણ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા પાસે બીએમડબલ્યૂ ૭ સીરીઝ કાર જેની કિંમત આશરે ૧.૨૫ કરોડ રુપિયા અને ૩ કરોડ રૂપિયાની કિંમતની મર્સિડીઝ એસ કલાસ પણ છે. તમને જણાવી દઈએ નાગાર્જુનની જેમ તેની વહૂ સામંથા પણ સાઉથ સિનેમાની મોટી સ્ટાર બની ગઈ છે. હાલમાં જ અભિનેત્રીએ વેબસીરીઝ ફેમિલી મેનની બીજી સીઝનમાં જોવા મળી હતી. જેમાં અભિનેત્રીના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

(10:22 am IST)