Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

'મોગેમ્બો' ખુશ હુઆ : બોલીવુડના જાણીતા વિલન અમરિશપુરીનો આજે જન્મદિવસ

1971 માં ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો મિસ્ટર ઈન્ડિયા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ઘાતક, દામિની, કરણ-અર્જુન જેવી ઘણી ફિલ્મો યાદગાર અભિનય : અનેક ડાયલોગ મશહૂર થયા

મુંબઈ :આજે બોલીવુડના ફેમસ વિલન અમરીશ પુરીનો જન્મદિન છે. તેમનો જન્મ 22 જૂન 1932માં જલંધર પંજાબમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા અમરીશ પુરીને ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી.બોલિવૂડમાં અમરીશ પુરીનું નામ તેમના જોરદાર અવાજ તેમજ ઉત્તમ અભિનય માટે જાણીતું છે. તેમની ઉંચી કદકાઠી સાથે તેમનો ઉંચો અવાજ ફિલ્મોના વિલનના પાત્રોમાં જીવ પૂરી દેતા હતા. આ કારણે તેમનું નામ બોલિવૂડના સર્વશ્રેષ્ઠ વિલનની યાદીમાં પ્રથમ નંબરે આવે છે

 . અમરીશે બોલીવુડમાં ઘણી અદભૂત ફિલ્મો આપી છે, જેણે લોકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે, અમરીશ પુરીની ફિલ્મની કારકીર્દિની શરૂઆત વર્ષ 1967 માં મરાઠી ફિલ્મ ‘શંતતું! કોર્ટ ચાલૂ આહે’ થી થઇ હતી. આ બાદ તેમણે 1971 માં ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમરીશ પુરી બોલિવૂડમાં હીરો બનવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ તેમણે વિલન બનીને પોતાનું નામ અમર બનાવ્યું છે .

મિસ્ટર ઈન્ડિયા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ઘાતક, દામિની, કરણ-અર્જુન જેવી ઘણી ફિલ્મો આવી. આ ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો હોવા છતાં. અમરીશ પુરીની મોટા સુપરસ્ટારની ઓળખ પ્રાપ્ત થઇ. બહુ ઓછા લોકો જાણે છે કે બોલીવુડમાં જોડાતા પહેલા અમરીશ પુરીને જીવનના લગભગ બે દાયકા જેટલા સમય સુધી કોઈ વીમા કંપનીમાં નોકરી કરવી પડી હતી. તેમણે લાંબા સમય સુધી વીમા કંપનીમાં કર્મચારી તરીકે કામ કર્યું.

અમરીશ પુરી ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક હતા. લોકો મજબૂત સંવાદ માટે તેમને આજે પણ યાદ કરે છે. ફિલ્મોમાં તેમના ઘણા સંવાદો એવા છે કે લોકો તેમને આજે પણ યાદ કરે છે. ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ના ‘જવાની મેં અક્સર બ્રેક ફેઇલ હો જાયા કરતે હૈ’, ફિલ્મ નગીનાનો ‘આઓ કભી હવેલી પર’, ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મનો ડાયલોગ ‘મોગેમ્બો ખુશ હુઆ’ આજે પણ એટલા જ પ્રખ્યાત છે.

(12:52 pm IST)