Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કાન ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પહેરેલુ ગાઉન ૧૦૦ કારીગરોએ ૨૦ દિવસની મહેનત બાદ તૈયાર કર્યું

‘વિનસ ગાઉન' દિલ્‍હીના ડિઝાઇનરે તૈયાર કર્યું હતું

મુંબઇ તા. ૨૩ : પૂર્વ મિસ વર્લ્‍ડ અને બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્‍ચન તાજેતરમાં જ કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલના રેડ કાર્પેટ પર ઉતરી હતી. ઐશ્વર્યા રાય ૨૦૦૨થી કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં ભાગ લઈ રહી છે ત્‍યારે આ વખતે તેનું ૨૦મું વર્ષ હતું જેને તે યાદગાર બનાવવા માગતી હતી. તેનો રેડ કાર્પેટ લૂક યાદગાર બનાવવામાં ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ કોઈ કચાશ ના રાખી. કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલના ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય પિંક રંગના ગાઉનમાં રેડ કાર્પેટ પર ઊતરી હતી. આ ગાઉન ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તા એ તૈયાર કર્યું છે. વિનસ (શુક્ર ગ્રહ)ના કોન્‍સેપ્‍ટ આધારિત ગાઉન તૈયાર કરનારા ગૌરવ ગુપ્તાએ ઐશ્વર્યાના આઉટફિટની વધુ વિગતો આપી છે.

ગૌરવે જણાવ્‍યું છે કે, ઐશ્વર્યાનું વિનસ ગાઉન તૈયાર કરવામાં ૨૦ દિવસ લાગ્‍યા અને તેમાં ૧૦૦થી પણ વધુ કારીગરો જોડાયા હતા. આ ગાઉન તૈયાર કરવાની આખી પ્રક્રિયામાં ઐશ્વર્યા પણ શરૂઆતથી જોડાયેલી હતી તેમ ગૌરવનું કહેવું છે. આ ગાઉન ઈટાલિયન ચિત્રકાર Sandro Botticelliના જાણીતા ચિત્ર ‘બર્થ ઓફ વિનસ'થી પ્રેરિત છે.

ગૌરવ ગુપ્તાને આ કોન્‍સેપ્‍ટનો વિચાર કઈ રીતે આવ્‍યો તે અંગે તેણે ન્‍યૂઝ એજન્‍સી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, ‘ઐશ્વર્યા સંપૂર્ણ મહિલા અને સુંદર વ્‍યક્‍તિ છે. આ આખી પ્રક્રિયામાં તેની સાથે રહીને સમજાયું કે તે આધ્‍યાત્‍મિક વ્‍યક્‍તિ છે, ખૂબ આકર્ષક છે. તેના મનની શુદ્ધતા અને સુંદરતાએ જ મને ‘બર્થ ઓફ વિનસ'નો કોન્‍સેપ્‍ટ વિચારવાની પ્રેરણા આપી હતી.'

પ્રયોગાત્‍મક ડિઝાઈન્‍સ માટે જાણીતાં દિલ્‍હીના ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ આગળ કહ્યું, ‘હું કંઈક એવું દર્શાવવા માગતો હતો જે આશા, જિંદગી અને સુંદરતાનું પ્રતિબિંબ હોય. છેલ્લા થોડા વર્ષોમાં દુનિયામાં જે હલચલ મચી છે તેને ધ્‍યાનમાં રાખીને અમે આર્ટ અને જિંદગીને સેલિબ્રેટ કરવા માગતા હતા.' ગૌરવનું કહેવું છે કે, ખાસ્‍સા દિવસોની મહેનતના અંતે આ ડ્રેસ ડિઝાઈન થયો હતો અને એટલે જ તે ‘દુનિયાની સૌથી સુંદર મહિલા'ને નિરાશ નહોતો કરવા માગતો.

ઐશ્વર્યા ૨૦૦૨માં ફિલ્‍મ ‘દેવદાસ'ના પ્રીમિયરમાં સૌપ્રથમ વખત કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં પહોંચી હતી. ત્‍યારથી તે દર વર્ષે બ્‍યૂટી બ્રાન્‍ડ લોરિયલની ગ્‍લોબલ એમ્‍બેસેડર તરીકે આ ફેસ્‍ટિવલમાં હાજરી આપે છે. ઐશ્વર્યા માટેની દિવાનગી પણ કાનમાં અનોખી છે. આ વિશે વાત કરતાં ગૌરવે કહ્યું, ‘અહીં ઐશ્વર્યા માટે જે ગાંડપણ અને પ્રેમ છે તે જોવાની મજા જ કંઈક અલગ છે. લોકો તેની ઝલક જોતાં જ ગાંડાની જેમ તેનું નામ જોરથી બોલવા માંડે છે. ફેન્‍સનો આવો ગાંડો પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો હતો. કાનમાં ઐશ્વર્યા અદ્‌ભૂત છે અને ત્‍યાં તેને જોવી કોઈ ફિલ્‍મથી કમ નથી.'

હાલ તો કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં ભાગ લઈને ઐશ્વર્યા શનિવારે મોડી રાત્રે પતિ અભિષેક બચ્‍ચન અને દીકરી આરાધ્‍યા સાથે મુંબઈ પરત આવી ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યાના લૂકની ખૂબ ચર્ચા થઈ હતી.

(10:28 am IST)