Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જુગ જુગ જિયોમાં એક ગીત ઊઠાવ્યું હોવાનો આરોપ

કરણની ફિલ્મનું ટ્રેલર રિલિઝ થતાં સાથે જ વિવાદઃબીજી તરફ એક ક્રિએટિવ પ્રોડ્યૂસરે પોતે મોકલેલી વાર્તા પરથી તેમને ક્રેડિટ આપ્યા વિના ફિલ્મ બનાવ્યાનો દાવો કર્યો

કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જિયોનું ટ્રેલર રિલીઝ થયું છે. તેની સાથે સાથે જ આ ફિલ્મ ચોરીના વિવાદમાં સપડાઈ છે. એક પાકિસ્તાની ગીતકારે પોતાનું ગીત ફિલ્મમાં ઉઠાવાયું હોવાનો આરોપ મુકી કાનૂની પગલાંની ચિમકી આપી છે. બીજી તરફ એક ક્રિએટિવ પ્રોડ્યૂસરે પોતે ધર્મા પ્રોડક્શનને કેટલાક સમય પહેલાં મોકલેલી વાર્તા પરથી તેમને ક્રેડિટ આપ્યા વિના જ ફિલ્મ બનાવી દેવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

પાકિસ્તાની સોંગ રાઈટર અને સિંગર અબરાર ઉલ હક્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં તેમનું સોંગ નચ પંજાબન બેઠું ઉઠાવી લેવામાં આવ્યું છે. આ ગીતના હક્કો પોતે કોઈને વેચ્યા નથી. કોઈને તે પ્લે કરવાનું કે ઉપયોગ કરવાનું લાયસન્સ આપ્યું નથી. કોઈએ પોતાનો સંપર્ક પણ કર્યા નથી. કરણ જોહર જેવા નિર્માતા પાસેથી આવી અપેક્ષા ન હતી. હું આ ચોરીની સામે કાનૂની પગલાં લઈશ અને વળતર માટે દાવો માંડીશ.

બીજી તરફ ક્રિએટિવ પ્રોડ્યુસર અને ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ વિશાલ સિંઘે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરેલા આક્ષેપ મુજબ પોતે ૨૦૨૦માં સ્ક્રીનરાઈટિંગ એસોસિએશનમાં બન્ની રાની નામની ફિલ્મની સ્ક્રિપ્ટ રજિસ્ટર કરાવી હતી. તેના એક મહિના બાદ પોતે ધર્મા પ્રોડક્શનનો સંપર્ક સાધ્યો હતો અને આ ફિલ્મ કો પ્રોડ્યુસ કરવા ઓફર આપી હતી. આ દરખાસ્ત પ્રાપ્ત થઈ હોવાનું જણાવતો જવાબ પણ ધર્મા તરફથી મળ્યો હતો. બન્ની રાની અને જુગ જુગ જિયો બંનેમાં સંતાનો સેટ થઈ ગયા પછી મોટી ઉંમરે છૂટાછેડાં લેતાં કપલની વાત છે. વિશાલ સિંઘે લખ્યું છે કે ધર્માને મારી વાર્તા ગમી હોય તો મારી સાથે વાત કરવી જોઈએ, સહયોગ સાધવો જોઈએ. તેને બદલે આમ સીધી વાર્તા ઉઠાવી લઈ ફિલ્મ બનાવી દેવું જરા પણ યોગ્ય નથી. જો હું સ્હેજ પણ ખોટો હોઉં તો ધર્મા મારી સામે કાનૂની કાર્યવાહી કરીશકે છે.

જુગ જુગ જિયો આવતા મહિને રિલીઝ થવાની છે. અનિલ કપૂર, નીતુ સિંહ , વરૃણ ધવન અને કિયારા અડવાણી તેમાં મુખ્ય ભૂમિકામાં છે.

 

(8:29 pm IST)