Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અભિનેતા શાહિદ કપૂરનો આજે જન્મદિવસઃ આયેશા ટાકિયા સાથે ઍડમાં ચાઇલ્ડ ઍક્ટર તરીકે કામ કર્યુઃ ‘દિલ તો પાગલ હૈ’માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો

અમદાવાદઃ 25 ફેબ્રુઆરીએ શાહિદ કપૂરની બર્થ ડે છે અને શાહિદ પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહિદને તેમના અભિનયની સાથે સાથે તેમના ડાન્સ, લુક, અને રોમેન્ટિક છાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તમને જણાવીશું શાહિદનું બોલીવુડમાં કરિયર કેવુ રહ્યું. શાહિદ કપૂર આજે બોલીવુડના ટોપ એક્ટર પૈકીનો એક છે. પરંતુ એક સમયે તેણે ટીવીની એડવર્ટાઈઝ અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યુ હતુ.

શાહિદે આયેશા તાકિયા સાથે Complanની એડમાં ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યુ હતુ. આ સિવાય કાજોલ અને રાણી મુખર્જીની સાથે પેપ્સીની એડમાં પણ શાહિદ દેખાયો હતો. શાહીદ પહેલીવાર Aryan band'sના મ્યુઝિક વીડિયોના સોંગ આંખો મેં તેરા હી ચહેરામાં દેખાયો હતો. આ સોંગ સુપરહીટ થયુ હતુ. આ આલ્બમની એક્ટ્રેસ હૃષિતા ભટ્ટ સાથેના શાહિદના સંબંધો પણ ચર્ચાસ્પદ બન્યા હતા. શાહિદે ઐશ્વર્યા રાયની ફિલ્મ તાલ (1999)માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો. ફિલ્મના ગીત કહીં આગ લગે લગ જાવેમાં શાહિદ કપૂર ઐશ્વર્યાની પાછળ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે ફિલ્મ દિલ તો પાગલ હૈ (1997)ના ગીત મુજકો હુઈ ના ખબરમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.

ફિલ્મ ઈશ્ક વિશ્કથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર શાહિદ કપૂરે પહેલીવારમાં જ દર્શકોનું દિલ જીતી લીધુ હતુ. ખાસ કરીને શાહિદ છોકરીઓમાં રોમેન્ટિક હીરો અને ચોકલેટી હિરો તરીકે ફેવરિટ થઈ ગયો હતો. ફિલ્મ ઈશ્ક-વિશ્ક માટે શાહિદને બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મ ફેર અવોર્ડ મળ્યો હતો.

ત્યારબાદ 2006માં સૂરજ બડજાત્યાની ફિલ્મ વિવાહ આવી. જેમાં શાહિદ કપૂર અને અમૃતા રાવની જોડી લોકોને ખૂબ પસંદ આવી. શાહિદની આ પારિવારિક ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. 2007માં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટએ શાહિદને અત્યાર સુધીની યાદગાર ફિલ્મોની યાદમાં મોખરે કરી દીધો. 2009માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ કમીનેમાં પોતાના અભિનયના કારણે એકવાર ફરીથી શાહિદને ખૂબ વાહ વાહ મળી.

વર્ષ 2010થી 2012નું કરિયર શાહિદ માટે ખરાબ સાબિત થયુ. આ દરમિયાન તેમણે દિલ બોલે હડિપ્પા, ચાન્સ પે ડાન્સ, પાઠશાલા, બદમાશ કંપની, મિલેંગે-મિલેંગે, મૌસમ અને તેરી મેરી કહાની જેવી ફિલ્મોમાં કામ કર્યુ. પરંતુ આમાંથી એકપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત ન થઈ.  વર્ષ 2013માં શાહિદની ફટા પોસ્ટર નીકલા હિરો અને આર. રાજકુમાર ફિલ્મો આવી હતી.

પ્રભુદેવાનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મ આર. રાજકુમારને એવરેજ અંશે સફળતા મળી. આ ફિલ્મમાં શાહિદ પોતાના જબરજસ્ત એક્શન સીનના માધ્યમથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. શાહિદની વર્ષ 2014માં ફિલ્મ હૈદર રિલીઝ થઈ. વિશાલ ભારદ્વાજના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દમદાર અભિનય માટે શાહિદ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મ ફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત ફિલ્મ પદ્માવત અને કબીર સિંહમાં પણ તેમના અભિનયની સરાહના કરવામાં આવી. કબીર સિંહ શાહિદની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ.

શાહિદ અને કરીનાની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બંનેની જોડીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી. શાહિદ અને કરીનાનાં અફેરની ખબરો પણ ઘણી ચર્ચામાં રહી હતી. જોકે કરીનાએ સૈફ અલી ખાન સાથે અને શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે મીરા રાજપૂત અને શાહિદ કપૂરની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે. છતા પણ બંનેની બોન્ડિંગ જોઈને કોઈ કહી ન શકે કે તેમની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત છે. મીરા અને શાહિદના લગ્ન 2015માં થયા હતા. બંએ અરેન્જ મેરેજ કર્યા હતા. મીરા અને શાહિદના લગ્ન ગુરુગ્રામમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં કેટલાક સંબંધીઓની હાજરીમાં થયા હતા. બંનેના બે બાળકો પણ છે. જેમનુ નામ મીશા કપૂર અને જૈન કપૂર છે. 

(5:06 pm IST)