Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

KBC 13: બીગ બી સામે પતિની બુરાઇ મહિલાને ભારે પડીઃ પતિએ પત્નિ- ચેનલ ઉપર કેસ ઠોકી દીધો

મુંબઇ, તા.૨૯: જ્ઞાન દ્વારા લોકોને હોટ સીટ પર બેસાડીને લાખોપતિ અને કરોડપતિ બનાવતા ફેમસ કિવઝ શો કૌન બનેગા કરોડપતિમાં મોટા ભાગે આપને ઘર-પરિવારના કિસ્સા સાંભળવા મળતા હશે.

શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ મોટા ભાગે પોતાના જૂના કિસ્સા કંટેસ્ટેંટ્સ સાથે શેર કરતા હોય છે. જો કે, હાલમાં બિગ બીનો આ શો તે સમયે ચર્ચામાં આવ્યો છે, જયારે એક કંટેસ્ટેંટ મહિલા હોટ સીટ પર પહોંચી અને આ દરમિયાન તેણે પોતાના પતિની બરાબર ખેંચી હતી. ખેલ ખતમ થતાં મહિલાના પતિએ પોતાની પત્ની અને ચેનલ વિરુદ્ઘ એકશન લેતા કેસ ઠોકી દીધો છે.

હકીકતમાં જોઈએ તો, ગત મહિને કૌન બનેગા કરોડપતિ ૧૩ના એક એપિસોડમાં શ્રદ્ઘા ખરે નામની એક કંટેસ્ટેંટે ભાગ લીધો હતો. બિગ બીની સાથે વાતચીત દરમિયાન તેણે પોતાની પર્સનલ લાઈફમાં થયેલા સંઘર્ષ વિશે તમામ જાણકારી શેર કરી હતી.

શ્રદ્ઘાખરે અમિતાભ બચ્ચનને નેશનલ ટીવી પર વાતો શેર કરતા કહ્યુ હતું કે, તેનો પતિ મુશ્કેલ પરિસ્થિતીમાં કયારેય સાથ નથી આપતો. આ બાબતથી ગુસ્સે થયેલા પતિએ ચેનલ અને તેની પત્નિ વિરુદ્ઘ પોતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શ્રદ્ઘા ખરેના પતિ વિનય ખરેએ ટ્વિટર પર આ કેસની જાણકારી આપતી પોસ્ટ શેર કરી હતી. વિનયે ટ્વિટર પર નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યુ છે કે, મારી પત્ની કેબિસીની હોટ સીટ પર બેઠી હતી, તેણે અંડરટ્રાયલ કેસમાં મારુ અપમાન કર્યુ છે. એટલા માટે લીગલ નોટિસ મોકલી છે.

તો વળી વિનયે પોતાની પત્ની શ્રદ્ઘાને કાયદો હાથમાં લેવાનો આરોપ પણ લગાવ્યો છે. એટલુ જ નહીં પત્નીએ નેશનલ ટીવીમાં જે આરોપ તેના પર લગાવ્યા છે. તેના જવાબ તેણે સોશિયલ મીડિયા પર પણ આપ્યા છે. વિનયનો આરોપ છે કે, ચેનલવાળા અંડરટ્રાયલ કેસને કેવી રીતે એકતરફી બતાવી શકે છે. આપને જણાવી દઈએ કે, શ્રદ્ઘા ખરે આ શોમાં ફકત ૧૦,૦૦૦ રૂપિયા જીતી હતી.

(3:46 pm IST)