Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અજય દેવગણની ફિલ્મ 'મેડે'નું બદલાયુ નામ : હવે 'રનવે ૩૪' નામથી રિલીઝ થશે

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીતસિંહ પણ અભિનય કરી રહ્યા છે

અજય દેવગણ અને અમિતાભ બચ્ચનની સ્ટારર ફિલ્મ 'મેડે'નું નામ કોઈ કારણોસર મેકર્સે બદલાવનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહેલા અજય દેવગણે આ જાણકારી પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. બોલીવૂડ એકટર અજય દેવગણે સોમવારે કહ્યું કે, તેના ડિરેકશન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હવે 'રનવે ૩૪' હશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ પણ અભિનય કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મનું નામ 'મેડે' રાખવામાં આવ્યું હતું. અજય દેવગણે ટ્વિટર પર અનેક પોસ્ટર શેર કરીને ફિલ્મનું નવું નામ જણાવ્યું છે. તે પોતે પણ આ ફિલ્મમાં અભિનય કરી રહ્યો છે.

અજય દેવગણે ટ્વિટ કરતા લખ્યું કે, 'મેડે' હવે 'રનવે ૩૪' થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે, જે મારા માટે ખાસ છે. રનવે ૩૪ ઈદના તહેવાર પર ૨૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. જેમ વાયદો કરવામાં આવ્યો હતો એમ.

ફિલ્મની ટીમે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં શૂટિંગ શરૂ કર્યુ હતુ. ફિલ્મમાં અજય દેવગણ પાયલટની ભૂમિકા ભજવી રહ્યો છે. જયારે રકુલ પ્રીત સિંહ સહ પાયલટનો રોલ કરી રહી છે. તો નિર્માતાઓએ અમિતાભ બચ્ચનની ભૂમિકા વિશે જાણકારી જાહેર કરી નથી. આ ફિલ્મમાં બોમન ઈરાની, આકાંક્ષા સિંહ, અંગિરા ધર અને કૈરી મિનાતી પણ સામેલ છે.

મહત્વનું છે કે, આ ત્રીજી ફિલ્મ છે કે જેનું ડિરેકશન અજય દેવગણ કરી રહ્યો છે. આ પહેલાં વર્ષ ૨૦૧૬માં ફિલ્મ યૂ મી ઔર હમ તથા વર્ષ ૨૦૧૮માં ફિલ્મ શિવાયનું પણ ડિરેકશન અજય દેવગણ કરી ચૂકયો છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અજય દેવગણ ફિલ્મ 'રનવે ૩૪' સિવાય આરઆરઆર, ગંગૂબાઈ કાઠીયાવાડી, મેદાન અને થેંક ગોડમાં પણ કામ કરતો નજરે પડશે.

રનવે મૂવીમાં અજય દેવગણ અને અમિતાભ બચ્ચને પૂરા ૮ વર્ષ પછી સાથે કામ કર્યુ છે. સાથે જ રકુલ પ્રીત સિંહ પણ બંને સાથે પોતાની એકિટંગ કરશે. રોસ્ટ માટે યૂટ્યૂબથી પ્રખ્યાત થયેલી કૈરી મિનાતી પણ રનવેમાં નજરે પડશે. અજય દેવગણની આ ફિલ્મ ૨૯ એપ્રિલ ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે.

(10:04 am IST)