Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

૨૦૨૨માં મોટા પડદા પર રિલીઝ થશે આ ફિલ્મોઃ મનોરંજન માટે તૈયાર રહો...

હિન્દી સિનેમા પણ નવા વર્ષમાં દર્શકોના મનોરંજન માટે તૈયાર છેઃ નિર્માતાઓ અને દિગ્દર્શકોએ નવી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે

મુંબઇ, તા.૩૧: નવા વર્ષને આવકારવા દરેક લોકો તૈયાર છે. હિન્દી સિનેમા પણ નવા વર્ષમાં દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. નિર્માતાઓ અને દિગ્દર્શકોએ નવી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. વર્ષ ૨૦૨૨માં ઘણા મોટા સ્ટાર્સની બિગ બેંગ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અભિનેતા પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'થી લઈને રણવીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સુધી અનેક મોટી ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થશે. આવી સ્થિતિમાં આવનારા નવા વર્ષમાં દર્શકોનું ભરપૂર મનોરંજન થવાનું છે.

વર્ષ ૨૦૨૨માં મોટી ફિલ્મોની રિલીઝ પણ ૧૪ જાન્યુઆરીએ પ્રભાસની ફિલ્મ 'રાધેશ્યામ'થી શરૂ થવાની છે. નિર્દેશક ઓમ રાઉતની મેગા બજેટ ફિલ્મ 'આદિપુરુષ' આવતા વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ પણ હશે.

યશ રાજ બેનરની ફિલ્મ 'પૃથ્વીરાજ' નવા વર્ષની શરૂઆતમાં મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝ માટે ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ની તારીખ નક્કી કરવામાં આવી છે. મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

અભિનેતા રણવીર સિંહ અને શાલિની પાંડે અભિનીત 'જયેશભાઈ જોરદાર' પણ નવા વર્ષના બીજા મહિનામાં રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં આવશે.

યશરાજ બેનર હેઠળ બનેલી રણબીર કપૂર સ્ટારર ફિલ્મ પણ નવા વર્ષમાં દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા'ની તારીખ ૧૮ માર્ચ ૨૦૨૨ નક્કી કરવામાં આવી છે.

આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' મોટા પડદા પર આવવાની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ રાહ વર્ષ ૨૦૨૨માં પૂરી થવા જઈ રહી છે. આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ એટલે કે બૈસાખીના દિવસે સિનેમાદ્યરોમાં રિલીઝ થશે. આમિર ખાન પ્રોડકશન દ્વારા શનિવારે ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સલમાન ખાન સ્ટારર 'ટાઈગર'અને 'ટાઈગર ઝિંદા હૈ'. આ બંને ફિલ્મોએ દર્શકોનું મનોરંજન કર્યું છે. હવે સલમાનની ફિલ્મ ટાઈગર ૩ પણ રિલીઝ માટે તૈયાર છે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર ૩ ની રિલીઝ માટે ૧૫ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.

આવતા વર્ષે, ગુરુવારે, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨, સ્વતંત્રતા દિવસના સપ્તાહે, અક્ષય કુમારની ડિરેકટર આનંદ એલ રાયની ફિલ્મ 'રક્ષા બંધન'પણ રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે'૪ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.

(3:58 pm IST)