વેબ સિરીઝ તમને છુટછાટ આપે છેઃ અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને વેબ સિરીઝ બ્રિધની બીજી સિઝન દ્વારા ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી લીધી છે. આ શોને દર્શકોએ પસંદ પણ કર્યો છે. અભિષેકે શોમાં સાઇકોલોજીકલ પાત્ર ભજવ્યું હતું. જેમાં તેની બે જુદી-જુદી પર્સનાલિટી હતી. તેના કામના ખુબ વખાણ થયા છે. અભિષેકે કહ્યું હતું કે અમે જ્યારે અવિનાશને દેખાડવાનું શરૂ કર્યુ ત્યારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. નિર્દેશક મયંક શર્મા સાથે મળી મેં અઠવાડીયા સુધી પાત્ર પર કામ કર્યુ હતું. તે કેવો હશે, કેવું વર્તન કરશે, તેની સ્ટાઇલ કેવી રાખવી...આ બધી બાબતો પર ખુબ ચર્ચા થઇ હતી.
અમને દર્શકોને દેખાડવા માંગતા હતાં કે કદાચ તેમણે પણ ડિસઓર્ડરથી પિડાતી કોઇ વ્યકિતને જોઇ હશે. ભારતમાં જે પ્રકારની કહાની દર્શાવાય છે તેનાથી દૂર જઇને સ્વતંત્ર રીતે અને અલગ રીતે તમે કહાની કહી શકો એ માટે વેબ સિરીઝ તમને છુટછાટ આપે છે. અમારી સામે પડકાર હતો કે અવિનાશ જે વસ્તુ કરી શકે છે તેનો લોકો સ્વીકાર કરે. તો બીજી તરફ 'જે'નું પાત્ર અવિનાશ સાથે કેવી રીતે રજૂ કરવું તે પણ એક પડકાર હતો. અભિષેક હવે ધ બિગ બૂલ અને બોબ બિસ્વાસનું કામ પુરું કરશે.