ફિલ્મ જગત
News of Friday, 5th February 2021

કોરોનાકાળમાં ટીવી રિયાલીટી શોની રોનક પડી ઝાંખીઃ છતાં દર્શકોને મનોરંજન આપવા નિર્માતાઓની તૈયારી

બિગ બોસ, કેબીસી, ધ કપિલ શર્મા શો જેવા ચર્ચાસ્પદ લોકપ્રિય શોને મહામારીને કારણે અનેક આકરા નિયમોનું પાલન કરી દર્શકો વગર રજૂઆત કરવાની હોઇ તેની સીધી અસર પડી રહી છે ટીઆરપી પર : મુશ્કેલીઓની વચ્ચે પણ ડાન્સ દિવાને, સુપર ડાન્સર, મ્યુઝિકલ શો રિલીઝ થવાની તૈયારીમાં

મુંબઇઃ ટીવી પરદા પર એવા અનેક શો છે જે વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. જેમાં બિગ બોસ, કોૈન બનેગા કરોડપતિ, ધ કપિલ શર્મા શો સહિતના સામેલ છે. આ તમામ રિયાલીટી શો હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શોના નિર્માતાઓ પાસે જો કે આ સમસ્યાનું કોઇ નિવારણ નથી. સોૈથી મોટો પ્રશ્ન દર્શકોનો છે. કારણ કે આવા શોના શુટીંગ વખતે દર્શકોને સામેલ કરવાની મનાઇ છે. શુટીંગ વખતે વાહ વાહ કરનારા અને તાલીઓ વગાડનારા દર્શકો ન હોવાથી આવા શોની ભવ્યતા ઝાંખી પડી રહી છે. કોરોના કાળમાં ભીડ એકઠી નહિ કરવાના નિયમને કારણે આવી તકલીફો ઉભી થઇ છે. આ કારણે ટીઆરપીની રેસમાંથી આવા શો બહાર નીકળી રહ્યા છે.

અત્યંત ચર્ચાસ્પદ રિયાલીટી શો બિગ બોસ અને કોૈન બનેગા કરોડપતિ વર્ષોના વર્ષોથી દર્શકોના ખુબ પસંદ કરવામાં આવતાં શો છે. કેબીસી જ્ઞાનવર્ધક શો છે અને બિગ બોસ સંપુર્ણ રીતે મનોરંજન આપતો શો છે. બંને કાર્યક્રમો હાલના સમયમાં પહેલાની જેમ દર્શકોને આકર્ષિત કરી રહ્યા નથી. બિગ બોસના શુટીંગમાં દર્શકો પર ફરતો કેમેરો અને સ્ટાર્સનું આગમન શોને ભવ્યતા આપતો હતો. પરંતુ હવે દર્શકો વગર ખામી દેખાઇ રહી છે. કપિલ શર્માના શોમાં પણ દર્શકોની ગેરહાજરી દેખાઇ આવે છે. આ શોમાં દર્શકો વગર જ કપિલને અને બીજા કલાકારોને કામ કરવું પડે છે. તો શોમાં હાજર રહેતાં સ્ટાર્સ મહેમાનો પણ દર્શકો વગર વધુ ઉત્સાહમાં દેખાતા હોતા નથી. શો વચ્ચે દર્શકોના સવાલ-જવાબ ખુબ રસપ્રદ અને મનોરંજક બની રહેતાં હતાં. પરંતુ કોરોના કાળને લીધે આ બંધ થયું હતું. જો કે હવે શોમાં નિયમ મુજબ અમુક દર્શકોની હાજરી જોવા મળી રહી છે. દર્શકો વગરના શોને લીધે ટીઆરપી પર ચોક્કસ અસર પડી છે.

જનસત્તા સબરંગમાં આરતી સકસેનાના અહેવાલ મુજબ નવા વર્ષ ૨૦૨૧માં પણ શરૂ થયેલા શોને કોરોનાને કારણે અનેક નિયમોનું આકરૂ પાલન કરવું પડે છે. સેટને વારંવાર સેનેટાઇઝ કરવો, યુનિટના લોકો વચ્ચે અંતર રાખવું, કિટ પહેરીને કામ કરવું સહિતના નિયમો છે. આ કારણે નિર્માતાઓનો સમય બગડે છે અને પૈસા પણ વધુ ખર્ચાય છે. જો કે આમ છતાં આ વર્ષમાં અનેક નવા શો શરૂ થઇ રહ્યા છે.

અનેક પરેશાનીઓ વચ્ચે પણ 'શો મસ્ટ ગો ઓન' એ મંત્ર મુજબ શો ચાલી જ રહ્યા છે અને નવા શો રજુ થવાની તૈયારીમાં છે. કલર્સ ચેનલ પર ડાન્સ દિવાને, સોની પર સુપર ડાન્સર, ઝી ટીવી પર મ્યુઝિકલ શો  ઇન્ડિયન પ્રો મ્યુઝિકલ લીગ સહિતના શો ધૂમ મચાવવા તૈયાર છે. મુશ્કેલીઓ સહન કરીને પણ નિર્માતા દર્શકોને મનોરંજન આપવા સક્રિય છે.

(12:48 pm IST)