ફિલ્મ જગત
News of Saturday, 10th April 2021

અમદાવાદમાં આવેલા અભિષેક બચ્‍ચને ‘ગોરધન થાળ' અડધી રાત્રે ખોલાવ્‍યુ હતુઃ નવરાત્રીમાં ભુખ લાગતા ગુજરાતી થાળીનો સ્‍વાદ માણ્‍યો હતો

મુંબઇ: અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ  રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઇને પ્રમોશન પણ અલગ લેવલ પર કરવામાં આવ્યું છે. આમ તો કોરોના કાળ ચાલી રહ્યો છે, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયા પર અભિનેતાએ પોતાની ફિલ્મ માટે જોરદાર બેઝ બનાવ્યો છે. તાજેતરના દિવસોમાં, આવી ટ્વીટ્સમાં અભિષેક પણ જોવા મળ્યો છે જ્યાં તે ગુજરાતી વસ્તુઓ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે.

અભિષેકને પસંદ છે ગુજરાતી ખાવાનું

આવો જ એક કિસ્સો ગુજરાતી થાળીને  લઇને છે, જેના વિશે અભિષેક બચ્ચને થોડા સમય પહેલા જણાવ્યું હતું. અભિનેતાની વાત માનીએ તો તે અમદાવાદની ગોરધન થાળ રેસ્ટોરન્ટમાં જવું પસંદ કરે છે. તેમને ત્યાંનું ખાવાનું એટલું જ ગમે છે કે, જ્યારે પણ તેઓ ગુજરાત આવે છે ત્યારે ત્યાં ચોક્કસ જાય છે. અભિનેતાનું માનવું હતું કે, તે તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સના કારણે અમદાવાદ આવ્યો હતો. મેચ બાદ તે ખુબ ભૂખ્યો હતો પણ તેને ક્યાંય ખાવાનું મળ્યું નથી. નવરાત્રિનો સમય હતો. એવામાં રેસ્ટોરન્ટ પણ રાત્રમાં બંધ થઈ જતાં હતા.

મોડી રાતે ખોલાવ્યું રેસ્ટોરન્ટ

આવી સ્થિતિમાં અભિષેકે તેના મિત્ર અને ગોરધન થાળ રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરી હતી અને મોડી રાત્રે જ રેસ્ટોરન્ટ પોતાના માટે ખુલ્લું કરાવ્યું હતું. ખુદ અભિષેક કહે છે કે દુકાનનો માલિક પણ તે સમયે દાંડિયા રમવામાં વ્યસ્ત હતો, પરંતુ તેણે અભિનેતાનું મન રાખવા માટે તે રેસ્ટોરન્ટ ખોલ્યું હતું.

ત્યારબાદ અભિષેકે તેના ફેવરેટ રેસ્ટોરન્ટમાં જમ્યો અને એક ફોટો પણ શેર કર્યો. તે ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું- અમદાવાદમાં તમારી ટ્રિપ ત્યાં સુધી પૂર્ણ થઈ શકતી નથી જ્યાં સુધી તમે મારા ફેવરેટ રેસ્ટોરન્ટ ગોરધન થાળમાં જમવા ના જાઓ. મહેન્દ્ર ભાઈનો આભાર જેમણે મારા માટે રેસ્ટોરન્ટ ખુલ્લું રાખ્યું.

(4:40 pm IST)