ફિલ્મ જગત
News of Thursday, 11th August 2022

રોહિત શેટ્ટીની સીરીઝના એકશન સીન કરતા શિલ્‍પા શેટ્ટીના પગમાં થયું ફ્રેકચર : ૬ અઠવાડિયાનો બેડ રેસ્‍ટ

અભિનેત્રીની આ હાલત જોઇને તેના ચાહકો ચિંતાતુર

મુંબઇ તા. ૧૧ : શિલ્‍પા શેટ્ટીને એક એક્‍શન સીન કરતી વખતે ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્‍યા હતા. અભિનેત્રીને પગમાં ફ્રેકચર થયું છે, જેના પછી તેને ઉતાવળમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્‍ટરે તેના પગ પર પત્તો બાંધ્‍યો છે. તેમને છ અઠવાડિયા માટે બેડ રેસ્‍ટ લેવા માટે કહેવામાં આવ્‍યું છે.

શિલ્‍પા શેટ્ટીએ ઈન્‍સ્‍ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્‍ટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી. શિલ્‍પા શેટ્ટી વ્‍હીલચેર પર બેઠેલી જોવા મળી રહી છે, જેમાં તેમના પગ પર બાંધવામાં આવેલો પાટો દેખાઈ રહ્યો છે. જોકે, તેમના ચહેરા પર મોટા સ્‍મિત સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીની આ હાલત જોઈને તેના ચાહકો ચિંતાતુર થઈ ગયા છે. ડિઝાઈનર મનીષ મલ્‍હોત્રાએ કોમેન્‍ટ કરીને લખ્‍યું કે શિલ્‍પા, ‘તું જલ્‍દી સાજી થઈ જા.' સિંગર બાદશાહે ‘અરે યાર' લખ્‍યું છે. તે જ સમયે, નાની બહેન શમિતા શેટ્ટીએ કહ્યું કે ‘મારી મુનકી ખૂબ જ મજબૂત છે. તેણી જલ્‍દી ઠીક થઈ જશે.' આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂકી છે. ચાહકો પણ શિલ્‍પા શેટ્ટી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

શિલ્‍પા શેટ્ટી હાલ રોહિત શેટ્ટીની ફિલ્‍મ ‘ઇન્‍ડિયન પોલીસ ફોર્સ'માં વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલ્‍હોત્રા સાથે સ્‍ક્રીન શેર કરતી જોવા મળશે. આ એક કાલ્‍પનિક શ્રેણી હશે જે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. શિલ્‍પા શેટ્ટી પહેલીવાર મહિલા પોલીસની ભૂમિકામાં જોવા મળશે. જો કે, શિલ્‍પા પહેલા ઘણી અભિનેત્રીઓએ મહિલા કોપની ભૂમિકા ભજવી છે.

(3:51 pm IST)