ફિલ્મ જગત
News of Friday, 12th November 2021

ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધીનો બોલીવૂડમાં માભો વધ્યોઃ હવે વિદ્યા બાલન સાથે ભુમિકા

સાથે ઇલિયાના ડીક્રુઝ અને હોલીવૂડ સ્ટાર સેન્થીલ રામમુર્તિની પણ ભુમિકા

મુંબઇ તા. ૧૨: ગુજરાતી રંગભુમિમાં ખુબ કામ કર્યા બાદ ગુજરાતી ફિલ્મો થકી જાણીતા બનેલા અને છેલ્લે 'સ્કેમ-૧૯૯૨-ધ હર્ષદ મહેતા સ્ટોરી' થકી રાતોરાત અસંખ્ય દર્શકોના દિલમાં સ્થાન બનાવી ચુકેલા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીનો બોલીવૂડમાં માભો વધી ગયો છે. તે હાલમાં ત્રણ જેટલી હિન્દી ફિલ્મો કરી રહ્યો છે. જેમાં અતિથી ભૂતો ભવ, દેઢ બીઘા જમીન અને એક અનટાઇટલ ફિલ્મ સામેલ છે.

તાજેતરમાં તેની ફિલ્મ ભવાઇ પણ રિલીઝ થઇ હતી. તે પણ દર્શકોને ખુબ ગમી છે.  હવે તે વિદ્યા બાલન, ઇલિયાના ડિક્રુઝ અને સેન્થીલ રામમુર્તિ સાથે ફિલ્મ કરી રહ્યો છે. કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મનું નામ હવે નક્કી થશે. નિર્દેશનની જવાબદારી વિજ્ઞાપન નિર્માતા શિર્ષા ગુહા ઠાકુરતાને સોંપાઇ છે.  વિદ્યા અને પ્રતિકની કાસ્ટીંગ અત્યારથી જ ચર્ચાસ્પદ બની છે. સ્કેમ-૧૯૯૨ શો પછી પ્રતિકે સફળતાની ઉડાન ભરી છે. ઇલિયાના અને હોલીવૂડના દિલોની ધડકન સેન્થીલ  રામમુર્તિ પણ અનોખુ આકર્ષણ બની રહેશે.

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને ઇલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટના સમીર નાયરે કહ્યું હતું કે આ ફિલ્મ ખુબ જ શાનદાર અને રોમાન્સથી ભરપુર છે. જે આધુનિક સમયના પ્રેમ અને નિષ્ઠાની તમામ ધારણાઓને તોડી નાંખે છે. કહાનીમાં એક જ સમયે અનેક ફલેવર્ડ જોવા મળશે. શિર્ષા કહે છે કહાની સાંભળતા જ હું તેના તરફ આકર્ષિત થઇ હતી. આ બધા અભિનેતાઓ સાથે કામ કરવા ઉત્સુક છું.

(11:24 am IST)