ફિલ્મ જગત
News of Friday, 18th November 2022

અજય દેવગણ અને તબ્‍બુની ક્રાઇમ થ્રિલર ફિલ્‍મ ‘દ્રશ્‍યમ-૨' રિલીઝઃ અક્ષય ખન્‍નાની પણ એન્‍ટ્રી

સાત વર્ષ પહેલા આવેલી દ્રશ્‍યમ સુપરહિટ નિવડી હતી. જેના અમુક ડાયલોગ્‍સ આજે પણ લોકોની જીભે છે. દ્રશ્‍યમનો બીજો ભાગ આજથી દ્રશ્‍યમ-૨ના નામથી રિલીઝ થયો છે. નિર્માતા ભુષણ કુમાર, કુમાર મંગલ પાઠક, અભિષેક પાઠક અને કિશન કુમારની આ ફિલ્‍મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યુ છે અને લેખન આમિલ કેયાન ખાન કર્યુ છે. ફિલ્‍મમાં અજય દેવગણ, તબ્‍બુ, શ્રીયા શરન, ઇશા દત્તા સહિતની મુખ્‍ય ભુમિકા સાથે આ વખતે અક્ષય ખન્‍નાની પણ એન્‍ટ્રી થઇ છે. ૧૪૦ મિનીટની આ ફિલ્‍મમાં અજય ફરીથી વિજય સાલગાઓકરના રોલમાં પોતાના પરિવારને બચાવતો દેખાશે. તબ્‍બુ આઇજી મીરા દેશમુખના રોલમાં છે. જેનો દિકરો સેમ ભેદી રીતે ગૂમ થઇ ગયો છે. પહેલા ભાગમાં જોયું હતું કે સેમ ગૂમ થાય છે તેની શંકા વિજય પર કરવામાં આવે છે અને વિજય ઉપરાંત તેના પત્‍નિ, દિકરીઓની પાસેથી સાચી માહિતી ઓકાવવા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર લક્ષ્મીકાંત ગાયતોન્‍ડે અને તેની ટીમ થર્ડ ડીગ્રીનો પણ ઉપયોગ કરે છે. આમ છતાં વિજય કે બીજા કોઇની સંડોવણી ખુલી શકતી નથી. દ્રશ્‍યમ જ્‍યાં પુરી થઇ હતી ત્‍યાંથી દ્રશ્‍યમ-૨નો આરંભ થશે.

ફિલ્‍મમાં શ્રીયા સરન અજયની પત્‍નિ નંદીની, ઇશીતા દત્તા મોટી દિકરી અંજુ અને મૃણાલ જાદવ નાની દિકરી અનુના રોલમાં છે. જ્‍યારે રજત કપૂર, નેહા જોષી, કમલેશ સાવંત, યોગેશ સોમન પણ ખાસ ભુમિકામાં છે. અક્ષય ખન્‍ના આઇજી તરૂણ અહલાવતના રોલમાં સામેલ થયો છે. ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ ગોવામાં થયું છે. આ ઉપરાંત મુંબઇ અને હૈદરાબાદમાં પણ અમુક શેડયુલનું શુટીંગ કરવામાં આવ્‍યું છે. ક્રાઇમ થ્રિલર એવી આ ફિલ્‍મના ટ્રેલરે દર્શકોમાં ભારે ઉત્‍સાહ જગાવી રાખ્‍યો હતો. આ વખતે વિજય પાસેથી પોલીસ સાચી હકિકત જાણી શકશે કે નહિ? કેસ રી-ઓપન થયા પછી શું શું થશે? એ બધુ જોવા મળશે. ધ કપીલ શર્મા શોમાં ગેસ્‍ટ બનેલા અજય અને તબ્‍બુએ કહ્યું હતું કે આ ફિલ્‍મનો ત્રીજો ભાગ પણ આવશે. ભુલભૂલૈયા-૨ પછી બોલીવૂડમાં હિટ ફિલ્‍મનો દૂકાળ પડયો છે ત્‍યારે દ્રશ્‍યમ-૨ કંઇક ચમત્‍કાર સર્જી શકે તેવી આશા ફિલ્‍મી પંડિતોને જણાઇ રહી છે.

(10:46 am IST)