સુર્યવંશી ફિલ્મના પહેલા ગીતનું ટીઝર રિલીઝ, અક્ષય, રણવીર અને અજયનો ધમાકેદાર જશ્ન
ફિલ્મનું પહેલું ગીત ‘આઈલા રે આઈલા'નું ટીઝર રિલીજ થયું છે
મુંબઇ,તા. ૨૧: રોહિત શેટ્ટીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘સુર્યવંશી'ની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે. તેવામાં ફિલ્મ નિર્માતા ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સતત શેર કરતા રહે છે. હવે ફિલ્મનું પહેલું ગીત ‘આઈલા રે આઈલા'નું ટીઝર રિલીજ થયું છે. આ સાથે જ સોન્ગની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
‘સુર્યવંશી' ફિલ્મના પહેલા ગીતનું ટિઝર રિલીઝ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર અભિનેતા અક્ષય કુમારે આ ટીઝર શેર કર્યુ છે. ટીઝરમાં અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ એક ગીતની બીટ પર ડાન્સ કરતાં જોવા મળે છે. આ સોન્ગ એક પાર્ટી એન્થમ છે, જેમાં એકસાથે ત્રણ અભિનેતા જશ્ન મનાવતાં જોવા મળે છે.
આ ટીઝર વીડિયો શેર કરતાં અભિનેતા અક્ષય કુમારે લખ્યું, ‘૫ નવેમ્બરે રિલીઝ થનારી સુર્યવંશી સાથે આ વર્ષે દિવાળી પર સિનેમા પર પરત આવી રહ્યાં છે. આ એક સ્ટોર સેલિબ્રેશનનું ટીઝર છે, આઈલા રે આઈલા સોન્ગ ગુરૂવારે રિલીઝ થઈ રહ્યું છે.'
તો બીજી બાજુ કેટરિના કૈફ અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ધ બિગ પિક્ચર માં પહોંચ્યા હતાં. જયાં તેમણે ખુબ મજાક મસ્તી કરી હતી. મહત્વનું છે કે સુર્યવંશી ફિલ્મ ૨૪ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે સિનેમાઘરો બંધ થઈ જતા ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં ૫૦ ટકા ક્ષમતાવાળા સિનેમાઘરો ખોલવાની જાહેરાત કર્યા બાદ રોહિત શેટ્ટીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગણ અને રણવીર સિંહ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે.