ફિલ્મ જગત
News of Tuesday, 24th November 2020

કુમાર સાનુએ પિતા તરીકેની જવાબદારી નિભાવી જ નથીઃ પુત્ર જાનની સટાસટી

બિગ બોસમાંથી બહાર થયેલા જાનએ કહ્યું-અમારો ત્રણ ભાઇઓનો ઉછેર માતા રીટા ભટ્ટાચાર્યએ એકલા હાથે કર્યો છેઃ પિતા કુમાર સાનુને કંઇ બોલવનો અધિકાર નથી

મુંબઇ તા. ૨૪: બિગ બોસ-૧૪ના ઘરમાં આ વખતે વિકેન્ડમાં એકતા કપૂર પહોંચી હતી. તેણે ઘરના લોકો પાસે મજેદાર ટાસ્ક કરાવ્યા હતાં. આ અઠવાડીયે કુમાર સાનુનો દિકરો જાન શાનુ ઘરમાંથી  બહાર નીકળી ગયો છે. તેની બિગ બોસની સફરનો અંત આવ્યો છે. રિયાલીટી શોમાં જાનને લઇને નેપોટિઝમનો મુદ્દો ચગ્યો હતો. એ પછી મરાઠી ભાષાનું તેણે અપમાન કર્યાનો આરોપ પણ લાગ્યો હતો. એ વખતે કુમાર સાનુએ વિડીયો મેસેજથી દિકરા જાનનો પક્ષ લીધો હતો.

પરંતુ જાને પોતાની અને પરિવારની દેખભાળ બાબતે પિતા કુમાર સાનુ સામે સવાલો ઉઠાવ્યા હતાં. શોમાંથી બહાર આવી જાને પિતા સામે નિશાન ચાંકયું છે. તેણે સીધા શબ્દોમાં કહ્યું હતું કે પિતા તરીકેની જવાબદારી કુમાર સાનુએ કદી ઉઠાવી નથી. આથી તેમને દેખભાળ વિશે બોલવાનો અધિકાર નથી. એક ઇન્ટરવ્યુમાં જાનએ કહ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ, બધાનો ઉછેર માતા રીટા ભટ્ટાચાર્યએ જ કર્યો છે. પિતા અમારી જિંદગીનો હિસ્સો રહ્યા નથી. મને નથી ખબર કે તેણે મને શા માટે પ્રમોટ કર્યો હતો. જાને આગળ કહ્યું હતું કે પિતા કુમાર સાનુએ એક સમયે અમારી સાથે સંપર્ક રાખવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

જાનએ કહ્યું હતું કે કોઇ પિતા પોતાના પુત્ર વિશે કદી બોલે નહિ, સોશિયલ મિડીયા પર તો ખાસ નહિ. પરંતુ ગમે તેમ તો ય એ મારા પિતા છે, હું એમની વિરૂધ્ધ નહિ જાઉ.

(1:16 pm IST)