ફિલ્મ જગત
News of Wednesday, 25th January 2023

શાહરૂખ ખાન-દિપીકા પાદુકોણ-જોન અબ્રાહમની 'પઠાણ' આજથી રિલીઝ

ખતરનાક આતંકી ગ્રુપથી દેશને બચાવવા મેદાને પડશે પઠાન

શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્‍મ ‘પઠાણ'નો દેશભરમાં વિરોધ થઇ રહ્યો હતો. આ વચ્‍ચે આજથી ફિલ્‍મ રિલીઝ થઇ ચુકી છે.

નિર્માતા આદિત્‍ય ચોપડા, નિર્દેશક સિધ્‍ધાર્થ આનંદની આ ફિલ્‍મમાં સંગીત વિશાલ અને શેખરે આપ્‍યું છે. યશરાજ બેનરની આ ફિલ્‍મમાં શાહરૂખ, દિપીકા, જોન સાથે ડિમ્‍પલ કાપડીયા, આશુતોષ રાણા પણ મુખ્‍ય ભુમિકામાં છે. તો સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે. આતંકી ગ્રુપના હુમલા સામે દેશને બચાવવા નીકળેલા પઠાણની કહાની દર્શાવતી આ ફિલ્‍મ પ્રજાસત્તાક દિનના આગલા દિવસે રિલીઝ થઇ છે. અલગ અલગ ધમકીઓ મળી હોવાને કારણે સિનેમાઘરોમાં પોલીસ બંદોબસ્‍ત પણ રાખવાની માંગણીઓ પણ કરવામાં આવી હતી.

ફિલ્‍મની કહાની જોઇએ તો આઉટફીટ એક્‍સ એક ખતરનાક આતંકી ગ્રુપ છે જે કોઇપણ હુમલા માટે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરે છે. આ ગ્રુપ કોઇ ઇરાદા સાથે નહિ પણ કોન્‍ટ્રાક્‍ટ મુજબ હુમલા કરે છે. આઉટફિક્‍સ એક્‍સના નિશાન પર ભારત દેશ છે. તે ભારત પર એવો હુમલો કરવાની ચેતવણી આપે છે જેના વિશે કદી કોઇએ વિચાર્યુ પણ ન હોય. આ સંભવીત ખતરાને જોતાં પઠાનને યાદ કરવામાં આવે છે જે રો ફિલ્‍ડ એજન્‍ટ છે અને કેટલાક કારણોસર પોતાના આ કામથી દૂર હોય છે. પઠાનનો સામનો ખતરનાક દુશ્‍મન સાથે થાય છે અને તેના ખભે મોટી જવાબદારી આવી જાય છે.

પઠાનનું શુટીંગ ભારત, અફઘાનીસ્‍તાન, સ્‍પેન, યુએઇ, રશિયા, તુર્કી, ઇટલી અને ફ્રાન્‍સ સહિતના દેશોમાં થયું છે. પઠાન ભારતની પહેલી ફિલ્‍મ છે જેને સાઇબેરીયામાં  બરફની ઝીલ બૈકાલ ઉપર પણ શૂટ કરવામાં આવી છે. સિધ્‍ધાર્થ આનંદ કહે છે જામેલા બરફ અને કડકડતી ટાઢ વચ્‍ચે જોરદાર ચેઝ સિક્‍વન્‍સનું શુટીંગ પુરુ કર્યુ હતું. આ દ્રશ્‍યો દર્શકોને જકડી રાખશે.

(10:43 am IST)