ઉગતી પ્રતિભાઓને તક આપશે આલિયા
આલિયા ભટ્ટ પણ અન્ય એક્ટર્સની માફક ફિલ્મ નિર્માણનું કામ કરતી થઇ ગઇ છે. તે હવે પોતાના પ્રોડક્શન-હાઉસ ‘ઇટર્નલ સનશાઇન' દ્વારા નવા નવા કલાકારોને તક આપવા ઇચ્છે છે. આલિયાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટના માધ્યમથી લોકોને તેમના કામને શૅર કરવા કહ્યું છે. ગયા વર્ષે તેણે પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. હવે તેણે ઇન્સ્ટાસ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે. એ પોસ્ટમાં આલિયાએ લખ્યું છે કે ‘ઇટર્નલ સપોર્ટ્સ. ઇટર્નલ સપોર્ટ્સ દ્વારા અમે પાવરફુલ સ્ટોરીઝ પર પ્રકાશ પાડવા માગીએ છીએ, જે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આ ફિલ્મો અને સ્ટોરી અમારી લાઇફમાં જે રીતે પરિવર્તન લાવે છે એ જ રીતે એ તમારી લાઇફમાં પણ બદલાવ લાવે એવી આશા છે. અમારે અગત્યની ફિલ્મોને લોકો સમક્ષ રજૂ કરવી છે. એનાથી વિશેષ કંઈ નથી જોઈતું. એથી તમારું કામ અમને મોકલો, જેથી અમે એને લોકો સુધી પહોંચાડી શકીએ.