કોમેડીમાં હવે પહેલા જેવી મજા નથી : ભાવના બલસાવર
ટીવી પરદાની જાણીતી અભિનેત્રી ભાવના બલસાવર હાલમાં સિરીયલ સ્પાય બહૂમાં કામ કરી રહી છે. આ પહેલા ભાવના બેલનવાલી બહૂમાં જોવા મળી હતી. સ્પાય બહૂમાં ભાવના તેની માતા શોભા ખોટેની વહૂનો રોલ નિભાવી રહી છે. ચાર વર્ષ બાદ ટચુકડા પરદે પરત આવેલી ભાવના કહે છે હાલના સમયમાં કોમેડીમાં કામ કરવાની પહેલા જેવી મજા નથી. કારણ કે કોમેડીની ગુણવત્તા હવે ખોરવાઇ ગઇ છે. મારા મમ્મી શોભા ખોટેએ મહેમૂદ અને ધુમાલ સાથે કોમેડી કરી હતી. તે વખતે રમુજ એ હિન્દી ફિલ્મોનું અભિન્ન અંૅગ ગણાતુ હતું. તે વખતે ફિલ્મોમાં કોઇપણ રીતે કોમેડી ઘુસાડી દેવાનો પ્રયાસ થતો નહોતો. હવે વિનોદી કલાકારો ઓછા દેખાય છે. મને એવા કોમેડી શોમાં કામ કરવાની ઇચ્છા જરાય નથી થતી જેમાં સહજતા ન હોય. હું માનુ છું કે કોમેડી એટલે હળવુ મનોરંજન, પરાણે ઘુસાડી દેવામાં આવતાં ચોક્કસ દ્રશ્યો એ કોમેડી નથી.