Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સોમવારથી ધો.9 અને 11ના વર્ગો પણ રાબેતામુજબ ચાલુ થઇ જશે :શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ફરી ગુંજી ઉઠશે

તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે

અમદાવાદ :કોરોના મહામારીના કારણે રાજયની શાળાઓ 300થી વધુ દિવસ બંધ રહી હતી. આ શાળાઓ આવતીકાલ તા. 1લી ફ્રેબુઆરીથી ધો.9 અને 11ના વર્ગો પણ રાબેતા મુજબ ચાલુ થઇ જશે. અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 માટે સ્કૂલો શરૂ થયા બાદ હવે આવતીકાલથી ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરૂ થતાં શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ફરી એકવાર ગુંજી ઉઠશે

ધોરણ-9 અને 11ના વર્ગો ચાલુ કરવા માટે પણ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે સુચના અપાઈ છે. જેમાં તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે. ધોરણ-9 અને 11ના વર્ગો પણ શરૂ થઈ રહ્યા હોઈ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે હવે ખાસ તકેદારી રાખવાની રહેશે

માર્ચ 2020ના પ્રારંભમાં જ કોરોનાના કેસે ગુજરાતમાં દેખા દીધી હતી. જેના પગલે પ્રથમ તબક્કામાં રાજ્યમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે, જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ કોરોનાના કેસો વધતા શાળાઓ બંધ રાખવાની મુદત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી વેકેશન સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

આમ, શાળાઓનું પ્રથમ સત્ર એક પણ દિવસ ચાલુ રહ્યા વગર જ પૂરું થઈ ગયું હતું. ત્યારબાદ સરકારે દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના પગલે સ્કૂલો શરૂ થઈ શકી ન હતી. ત્યારબાદ સરકાર દ્વારા 11 જાન્યુઆરી, 2021થી માત્ર ધોરણ-10 અને 12ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી અને સ્કૂલો શરૂ પણ થઈ હતી

લગભગ 20 દિવસ બાદ હવે 1 ફેબ્રુઆરીથી રાજ્યની શાળામાં ધોરણ-9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવનારા છે. જેને લઈને સ્કૂલો દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ અગાઉ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જેમાં સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના કર્મચારીઓની ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વચ્ચે હવે વર્ગમાં યોગ્ય અંતર જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે જણાવાયું છે. અત્યાર સુધી માત્ર ધોરણ-10 અને 12ના જ વિદ્યાર્થીઓ આવતા હતા, પરંતુ હવે ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવનાર હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે શાળાઓમાં વર્ગ ખંડ નાનો હોય તે સ્થિતિમાં લાઇબ્રેરી, લેબોરેટરી જેવા મોટા હોલનો વર્ગખંડ તરીકે ઉપયોગ કરવાનો રહેશે

રાજ્ય સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના પગલે સ્કૂલોએ તે અંગેની પુરતી તૈયારી કરી લીધી છે. જો કે, હવે સ્કૂલની સાથે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવનારા છે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર ધોરણ-9થી 12ના જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાશે. ક્લાસીસ સંચાલકો દ્વારા રવિવારે લાંબા સમયથી બંધ ક્લાસીસ ખોલી સેનિટાઈઝેશન સહિતની કામગીરી કરી વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારીઓ કરી હતી

(8:57 pm IST)