Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગોધરામાં અંડરબ્રિજ બનાવવા ગ્રાન્ટ આપી છતાં કાર્યવાહી નહીં

રેલ્વે ફાટકને લઈને દર કલાકે ટ્રાફિક જામના દૃશ્યો : શહેરા ભાગોળમાં આવેલા ફાટક પર અન્ડરબ્રિજ બનાવવા માટે અપાયેલી ગ્રાન્ટને પાલિકાએ બગીચાના નામે ઉડાવી

ગોધરા, તા. ૩૧ :શહેરની મધ્યમાં આવેલા રેલવે ફાટકને લઈને પ્રજાજનો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષો જૂની આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ૨ વખત આ ફાટક પર અંડરબ્રીજ બનાવવા માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી થઇ નથી. આ રેલ્વે ફાટકને લઈને દર કલાકે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાય છે.

ગોધરા શહેરના મધ્યમાં શહેરા ભાગોળ ખાતે આવેલ રેલ્વે ફાટકને લઈને રોજીંદી સમસ્યા સર્જાય છે. કલાકો સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાવા સાથે લોકોનો સમય બગડે છે. અકસ્માતો પણ થતા રહે છે, જેને લઇ વારંવાર રજુઆતોને પગલે અંડરબ્રીજની માંગણી કરતા અંતે મંજુરી બાદ ગ્રાન્ટ મળી હતી. શહેરની માથાના દુખાવા રૂપ સમસ્યાથી છુટકારો મળવાની નગરજનોને આશા બંધાઈ હતી. જે પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈને ફળીભૂત થઇ શકી નથી. પાલિકા દ્વારા રેલ્વે પાસેથી મંજુરી વહેલી મળે તે કામ કરવાની જગ્યાએ આ અન્ડર બ્રીજ બનવવા માટે મળેલી રૂપિયા ૧.૫ કરોડની ગ્રાન્ટનો હેતુ ફેર જ કરી અને આ ૧.૫ કરોડ માંથી ૯૦ લાખ ઉપરાંતની ગ્રાન્ટને ગોધરાના નહેરુબાગના બ્યુટીફીકેશન કરવા માટે વાપરવામાં આવશે તેમ ઠરાવવામાં આવ્યું હતું.  જેને લઈને હાલ રેલવે ફાટક પર બ્રિજ બને તે માટે શહેરીજનો આજે પણ રાહ જોઈ રહ્યા છે. ગોધરા નગરપાલિકાને ત્રણ વર્ષ પહેલા મળેલી અંડર બ્રિજ બનાવવા માટેની ગ્રાન્ટનો એક તરફ હેતુફેર કરીને અન્ય કામમાં વાપરી નાખવામાં આવ્યા છે અને હવે પાલિકા દ્વારા  રેલવે વિભાગની મંજૂરી અપેક્ષાએ ફરીથી રાજ્ય સરકાર પાસે અંડરબ્રિજ બનાવવા માટે નવી ગ્રાન્ટ મેળવવા માટે માંગણી કરી હતી. હાલ રાજ્ય સરકાર દ્વારા ત્રીજી વખત ૯.૮૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે,ત્યારે હવે આ રેલ્વે ફાટક પર અંડરબ્રીજ બને છે કે કેમ તે પ્રશ્ન હાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. ગોધરાના રેલવે ફાટકના પ્રશ્નને લઈ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે કેન્દ્રીય મંત્રી સુધી ઉચ્ચ સ્તરીય રજૂઆતની બાંહેધરી તો આપી છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી પણ પ્રજાજનોને આપી છે પરંતુ ગોધરા શહેરની વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ હાલ પુરુતું તો દેખાઈ નથી રહ્યું છે.

(10:01 pm IST)