Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોદીની ભત્રીજીએ કોર્પોરેશન ચૂંટણી માટે ટિકિટ માગી

પ્રહલાદ મોદીના પુત્રી સોનલને ચૂંટણી લડવામાં રસ : મોદીનો પરિવાર રાજકારણથી દૂર રહ્યો છે, ત્યારે ભત્રીજી દ્વારા ટિકિટની માગથી ભાજપ હોદ્દેદારો સહિતનાને આશ્ચર્ય

અમદાવાદ, તા. ૩૧ : અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. દરેક પક્ષ પોત-પોતાના ગણિત ગોઠવવામાં લાગી ગયો છે. ટિકિટ વાંચ્છુઓએ પણ મોવડીમંડળને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલમાં કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માટે પડાપડી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બધાની વચ્ચે એક નામે બધાને ચોંકાવી દીધા છે અને એ નામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીનું.

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ ૨૧મી ફબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તેમણે પશ્ચિમના પોશ વિસ્તાર બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે સોનલ મોદીએ દાવેદારી કરી છે. તેમની દાવેદારીએ ભાજપના હોદ્દેદારોને ચોંકાવી દીધા છે.

પોતાની દાવેદારી અંગે સોનલ મોદીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, તેમણે પીએમના પરિવાર તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગી છે તેમણે કહ્યું કે, 'ભાજપના ઘણા કાર્યક્રમોમાં સહકાર આપ્યો છે.. મેં ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી કર્યું. દેશમાં પીએમ મોદી સારું કામ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર સાથે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહીં તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.' ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનો પરિવાર મોટાભાગે રાજકારણમાં સીધો સામેલ થવાથી દૂર રહ્યો છે. ત્યારે તેમની ભત્રીજી દ્વારા કરાયેલી ટિકિટની માંગથી ભાજપના હોદ્દેદારો સહિતનાને આશ્ચર્ય થયું છે. જણાવી દઈએ કે, ૨૧મી ફેબ્રુઆરીએ ૬ મહાનગર પાલિકાઓ- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન યોજાશે. તે ઉપરાંત જૂનાગઢની બે બેઠકો માટે પણ મતદાન યોજાશે. ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮મી ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની મતગણતરી ૨ માર્ચે થશે.

(10:00 pm IST)