Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવશે તો RSS ટેકો આપશે

શિક્ષક મહાસંઘની કારોબારીની બેઠક મળી હતી : કારોબારી બેઠકમાં આરએસએસના સહ સર કાર્યવાહ મનમોહન વૈદ્ય ઉપસ્થિત : નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા

અમદાવાદ, તા. ૩૧ : ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બે દિવસીય કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સર કાર્યવાહ મનમોહન વૈદ્ય હાજર રહ્યા હતા. બેઠકમાં નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી. શિક્ષકોના પ્રશ્નો અંગે બેઠકમાં મંથન કરાયું. જેમાં કેટલાક પ્રશ્નોને લઈને કેન્દ્ર અને જુદી જુદી રાજ્ય સરકારોને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બે દિવસીય કારોબારીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સર કાર્યવાહ મનમોહન વૈદ્ય હાજર રહ્યા હતા. નવી શિક્ષણ નીતિ, શિક્ષકોના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત નવી પેંશન યોજના રદ્દ કરી ફરી જૂની પેંશન યોજના લાગુ કરવા રજૂઆત મળી છે. શિક્ષકોને આપવામાં આવતી શિક્ષણ સિવાયની કામગીરીનો વિરોધ કરવા ચર્ચા થઈ છે. પ્રવાસી અને એડહોક શિક્ષકોની ભરતી નીતિનો વિરોધ કરવા નક્કી કરાયું છે. શૈક્ષિક સંઘ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો શૈક્ષિક સંઘ આંદોલનનો માર્ગ અપનાવશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીની બેઠકમાં નવી પેંશન યોજના રદ્દ થાય અને સરકાર જૂની પેંશન યોજના લાગુ કરે તે રજુઆતો મળી છે. વર્ષ ૨૦૦૪ પહેલા જે પેંશન યોજના હતી તે ફરી શરુ થવી જોઈએ એવા મત રજુ કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૪ થી કેન્દ્ર સરકારે નવી પેંશન યોજના શરુ કરી છે, જેને લઈને અનેક  શંકાઓ લોકોના મનમાં હોવાનું સંઘના ધ્યાને આવ્યું છે. આ સિવાય શિક્ષકોને શિક્ષણ સિવાયની ડ્યુટી સોંપવામાં આવે છે.

આ સંદર્ભે પણ અમને રજૂઆત મળી છે. શિક્ષણ સિવાયની કામગીરીનો વિરોધ કરવા અંગે ચર્ચા થઈ છે. આ સિવાય પ્રવાસી શિક્ષકો અને એડહોક શિક્ષકોની ભરતીની નીતિનો પણ વિરોધ કરવા અંગે કારોબારી બેઠકમાં ચર્ચા થઈ છે. આ તમામ પ્રશ્નો બાબતે શૈક્ષિક સંઘ દ્વારા ટૂંક સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવશે.

(10:01 pm IST)