Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે,કોરોના વેક્સીન અનેક ટ્રાયલો પછી આપવામાં આવી રહી છે:નર્મદા પોલીસ વડા

જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ કોરોના વેક્સીનેશનનો લાભ લીધો : નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોના વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં  હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦થી ઓછી વયના અને ૫૦થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી  લેવાયા છે જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ વેક્શીનેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઇ પરમાર, શૈલેષભાઇ મોદી, આમલેથા પોલીસ સબ ઇન્સપેક્ટર સુશ્રી સેજલકુમારી પટેલ અને શારદાબેન દેદૂન સહિત અન્ય જિલ્લા પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓએ આજે રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ- ૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથોસાથ તિલકવાડા અને સાગબારા તાલુકા આરોગ્ય કેન્દ્ર તેમજ દેડીયાપાડા અને ગરૂડેશ્વર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિત જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે સૌ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં આજે પાંચ જેટલાં સ્થળોએ પોલીસ વિભાગ અને તેની સાથે જોડાયેલ જીઆરડી.હોમગાર્ડઝને કોવિડ વેક્શીન મુકવામાં આવી રહી છે. આ કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે, કોઇ આડઅસર થતી નથી. કોરોના વેક્સીન અનેક ટ્રાયલો પછી આપવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે આજે મે  કોવિડ-૧૯ ની રસી  લીધી છે. આ રસીથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ કોવિડ વેક્શીનેશન થી કોઈ એ ગભરાવવાની જરૂર નથી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આજે બીજા તબક્કાનો કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રાયોરિટી પ્રમાણે જિલ્લાના ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને આજે પ્રથમ દિવસે રાજપીપલા  કોવિડ હોસ્પિટલ સહિત અન્ય ૫ જગ્યાઓથી વેક્સીનેશન આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં ૧૭૦૦ જેટલા હેલ્થ કેર વર્કરોએ કોવિડ-૧૯ વેક્શીનેશનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે તા.૩૧ મી ના રોજ ૩૫૫ જેટલાં લાભાર્થીઓએ કોવિડ-૧૯ વેક્સીનેશનનો લાભ લીધો છે.  
આ તકે સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:26 pm IST)