Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગુજરાત હાઇકોર્ટ સહિત રાજકોટ -સુરત-વડોદરા અને અમદાવાદમાં કોર્ટો નહિ ખુલેતો વડીલો ધરણા ઉપર ઉતરશે

સાત બાર એસો.ના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ : ચીફ જસ્ટીશને પત્ર લખી રજૂઆત : વકીલોની માંગણી સંતોષાશે નહિ તો ૧૧મીથી ધરણા યોજાશે

અમદાવાદ,તા. ૧: ગુજરાત હાઇકોર્ટ તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આવેલી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવા માટે રાજ્યના કુલ સાત બાર એસોસિએશનો દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સૂચક ચીમકી આપવામાં આવી છે કે તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ ૧૧મી ફેબ્રુઆરીના રોજ કોર્ટ સંકુલમાં પ્રવેશી ગાંધીચીધ્યામાર્ગે ધરણા કરશે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન, અમદાવાદ સિટી સિવિલ બાર, અમદાવાદ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન, અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિએશન, સુરત બાર એસોસિએશન, બરોડા બાર એસોસિએશન અને રાજકોટ બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના કારણે ૨૪મી માર્ચથી રાજ્યભરની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ઠપ થઇ છે. હજુ પણ હાઇકોર્ટ તેમજ ચારેય મોટાં શહેરોની કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે.

રાજ્ય સરકારે અત્યારે મહામારી પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો છે. જેના કારણે સિનેમા હોલ, શાળાઓ, જીમ, સ્વિમીંગ પુલ સહિતની જગ્યાઓ અને પ્રવૃતિઓને પુનઃ શરૂ થઇ છે. પરંતુ આ કોર્ટો શરૂ ન થવાના કારણે વકીલોનો એક બહોળો વર્ગ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જે બાબત હાઇકોર્ટના વહીવટી તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવી નથી. જેથી એસોસિએશનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે કોર્ટો શરૂ કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો વકીલો નાછૂટકે ૧૧મી ફેબ્રુઆરીએ કોર્ટ સંકુલમાં પ્રવેશી શાંતિપૂર્ણ રીતે ધરણા કરશે.

(10:09 am IST)