Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું :4 મહાનગરોની કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે

જરૂર પડયે ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિઓને ટૂંકસમયમાં બોલાવવામાં આવશે

અમદાવાદ : કોરોનાના મહામારીના કારણે રાજયની ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા શહેરની કોર્ટની રાબેતા મુજબની કામગીરીને અસર થઇ છે. પરિણામ સ્વરુપે વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બનતી જતી હોવાથી વહેલી તકે શરૂ કરવા ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને લેખિત પત્ર લખીને રજૂઆત કરવાનો સમય માંગ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં હાઇકોર્ટ તરફથી ટૂંક સમયમાં રાજયના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતની અદાલતોની કામગીરીને શરૂ કરવામાં આવશે. આ અંગે જરૂર પડયે ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિઓને ટૂંકસમયમાં બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હોવાનું ગુજરાત બાર કાઉન્સિલના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એમ. પરમારે જણાવ્યું છે

  તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સીલ દ્રારા છેલ્લાં દસ મહિના ઉપરાતના સમયથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જિલ્લામાં જુદા જુદા શહેરમાં આવેલી અદાલતો બંધ હાલતમાં છે. માત્ર અરજન્ટ કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં ગુજરાતમાં સરકાર દ્રારા અને પ્રજાજનો દ્વારા કોરોના મહામારીને નિયંત્રણ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના કારણે હાલમાં મહ્દઅંશે સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કોરોના કેસો નિયંત્રણમાં છે.

આવા સંજોગોમાં સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં આર્થિક, સામાજિક અને વહીવટી ગતિવિધિ મહ્દઅંશે શરૂ થઇ ગયા છે. તેવા સંજોગોમાં વર્તમાન સમયમાં પક્ષકારોના હિતોને ધારાશાસ્ત્રીઓના હિતોના તેમ જ સમગ્ર કોર્ટોમાં કેસોનો ખૂબ જ ભરાવો થઇ ગયો છે. તેવા સંજોગોમાં તમામ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતની અદાલતો સરકાર તથા હાઇકોર્ટ દ્રારા નક્કી કરે તે પ્રમાણેની એસ.ઓ.પી. મુજબ તમામ અદાલતો શરૂ કરવા માટે ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત પત્ર મોકલીને રજૂઆત કરી છે.

(10:54 am IST)