Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શ્રીમંત થવું સહેલુ છે પણ સેવક થવું અઘરું છે આ બેય ગુણો ડીકે શાહમાં હતા ; શાસ્ત્રી માધવપ્રિયદાસજી

સંપત્તિ તો કેટલાયને મળે છે પણ સત્સંગ મળવો દુર્લભ છે. ડી.કે શાહને તો બેય મળેલ.: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલના ટ્રસ્ટી મુંબઇવાસી અક્ષર નિવાસી ડી.કે.શાહની મેમનગર ગુરુકુલમાં ઓન લાઇન શ્રદ્ધાંજલિ સભા

અમદાવાદ તા ૧ SGVP ગુરુકુલના સન્નિષ્ઠ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ કેશવલાલ શાહ (ડી.કે.શાહ) તાજેતરમાં તા.૨૮ જાન્યુઆરી પુનમના દિવસે ભગવત્ સ્મરણ સાથે ૮૮ વર્ષની ઉમરે ભગવાનના ધામમાં જતા, અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઓન-લાઇન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમની શરુઆતમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોના ગાન બાદ, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ તથા અન્ય સંતોએ ડી.કે. શાહની ચિત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, રાજકોટ ગુરુકુલના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, જુનાગઢ ગુરુકુલથી શ્રી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી, મુંબઇવાસી અને SGVP ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવીનભાઇ દવે, શ્રી હરીન્દ્રભાઇ વેણી, દેરડીથી મધુભાઇ દોંગા, વગેરેએ ડી.કે. શાહને ઓનલાઇન શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના કુટુંબીજનોને આશ્વાસન આપેલ.

    આ પ્રસંગે પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ મેમનગર ગુરુકુલમાં નવા પ્રાર્થનાખંડમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ડી.કે. શાહે યજમાન પદે રહી ગુરુકુલની જે સેવા કરેલ તે વાત કરી જણાવ્યું હતું કે સંપત્તિ તો કેટલાયને મળે છે પણ સત્સંગ મળવો દુર્લભ છે, ડી.કે. શાહ તો બંને મળ્યા હતા.

    શા.માધવપ્રિયદાસજી સ્વામી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ડી.કે. શાહ તો ઉનાના પ્રતિષ્ઠિત ગણેશ શેઠના પરિવારના હતા. ગુરુકુલના તમામ ઉત્સવ સમૈયાઓમાં તેઓની અનેરી સેવા રહી છે. શ્રીમંત થવુ સહેલુ છે પણ સેવક થવુ અઘરું છે આ બંને ગુણો ડી.કે. શાહમાં હતા.

    SGVP ગુરુકુલના કેટલાય મૂંઝવણભર્યા અને અઘરા પ્રશ્નોમાંથી તેણે માર્ગ કાઢ્યો છે. તે ભૂલાય તેમ નથી. ડી.કે. શાહ જવાથી તેના કુટુંબીઓને તો ખોટ પડી છે પણ SGVP ગુરુકુલ અને સારાયે સંપ્રદાયને ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેના કુટુંબીજનોમાં તેમના પુત્ર શ્રી સુકેતુભાઇ, શ્રી દિપકભાઇ વગેરે પરિવારજનોને ધીરજ અને બળ અર્પે એજ પ્રાર્થના છે.

(1:52 pm IST)