Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમદાવાદના બાવળામાં સિક્‍યુરીટી ગાર્ડે ચોર ગેંગનો પ્રતિકાર કરતા પગ બાંધીને મોતને ઘાટ ઉતાર્યો હતોઃ હત્‍યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના બાવળામાં થયેલી હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ભંગાર ચોરી કરી બારોબાર વેચવાનું કામ કરતા હતા. જોકે પેપર મીલમાં થયેલી હત્યા કેસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ ચોર ગેંગનો પ્રતિકાર કરતા મોતને ઘાટ ઉતારાયો હતો.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય શખ્સો પર હત્યાનો આરોપ છે. આરોપી ભરત દેવીપુજક, બાબુ દેવીપૂજક અને ગુલા દેવીપુજક મૂળ રાજકોટના છે પણ, છેલ્લા ઘણા સમયથી બાવળાના આસપાસના વિસ્તારમાં ભંગારની ચોરી કરતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ છે અને રેકી કરી ચોરી કરવાનું કામ કરતા હતા. મહત્વનું છે કે ગત ૨૬મી જાન્યુઆરીના રોજ રજોડા ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ત્રણેય આરોપીઓ રેકી કરીને રઝોડાની બંધ પેપર મીલમાં લોખંડ અને કોપરની ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. જો કે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રભુભાઈ રાવળ આ ત્રણેય યુવકોને ત્યાંથી જતા રહેવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ તકરાર કરવા લાગ્યા અને સિક્યુરિટી ગાર્ડને માર મારવા લાગ્યા હતા. બાદમાં બંધ પેપરમીલમાં જ આધેડને બાંધી દઈ અને ફરાર થઈ ગયા. જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્ટ અને CCTVના આધારે ત્રણેય આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા હતા.

હાલ તો આ ત્રણેય આરોપીઓ છેલ્લા 2 વર્ષથી બાવળા વિસ્તારમાં અનેક નાની-મોટી ચોરીઓને અંજામ આપી ચૂક્યાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે. પરંતુ પોલીસ ચોપડે ફરિયાદ નહિ નોંધાઈ હોવાથી માત્ર એક જ ગુનામાં સંડોવણી સામે આવી છે. ત્યારે હત્યા કેસમાં વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(5:11 pm IST)