Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમદાવાદ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન કન્ટેનરમાંથી દારૂ-બિયરની બોટલ જપ્ત કરી

અમદાવાદ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન બુટલેગરો દ્વારા ઇંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

જે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે એક કન્ટેનર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ભરી સાણંદ તરફથી ગાંધીધામ તરફ જનાર છે. તે બાતમીના આધારે વિરમગામ અમદાવાદ હાઈવે ઉપર જખવાડા ગામ એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલી ઢાબાની સામે વોચમાં ઉભા રહેલ તે દરમ્યાન સાણંદ તરફથી બાતમીવાળુ કન્ટેનર આવતા રોડ ઉપર આડશ ઉભી કરી કન્ટેનરને રોડની સાઈડમાં ઢાબાની પાર્કિંગમાં ઉભુ રાખી કન્ટેનરની અંદર શું છે તે પૂછપરછ કરતા ચાલકે ચોખાના કટ્ટા ભરેલ છે અને ગાંધીધામ લઈ જવાનું છે તેવું જણાવેલ.

 બાદમાં કન્ટેનરની અંદર તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પુંઠાના બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૮૦૦ કિંમત રૂ. ૫૪,૬૦,૦૦૦ રોકડ રકમ ૬૩૦ મોબાઈલ ફોન-૩ કિં.રૂા. ૬૦૦૦, કેન્ટેનર કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ કુલ કિંમત રૂ. ૬૯,૬૬,૬૩૦ના મુદ્દામાલ સાથે આરોપી (૧) સાજીદ અલી અલીહસન સૈફી (૨) મહંમદરાજીદ અલીહસન સૈફી રહે. અમ્હેડા પોસ્ટ. ચોદરપુર અમઢા પકબરાજી અમરોહા (ઉત્તરપ્રદેશ)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:25 pm IST)