Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બોરસદ તાલુકાના રૂદેલ ગામે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત

આણંદ: જિલ્લાના બોરસદ તાલુકાના રૂદેલ ગામના શરણાઈકૂઈ પાટીયા નજીક ગઈકાલ રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકચાલકે એક મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ઉપર સવાર એક યુવકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના કનકાપુરા ગામે જાલીયાપુરા પ્રાથમિક શાળા નજીક શનાભાઈ ફતેસિંહ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની નજીકમાં રહેતા તેઓના કુટુંબી ભાઈનો દિકરો ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પરમાર પાદરા ખાતે એક કંપનીમાં નોકરી કરતો હતો. તે મોટરસાયકલ લઈને નોકરીએ અવર-જવર કરતો હતો. શુક્રવારના રોજ સાંજના સુમારે ગોવિંદભાઈ પરમાર પોતાની મોટરસાયકલ લઈને નોકરીએથી કનકાપુરા ખાતે પરત આવી રહ્યા હતા ત્યારે બોરસદથી ધુવારણ રોડ ઉપર આવેલ શરણાઈકૂઈ ગામના પાટીયા નજીક એક ટ્રકચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ઉપર સવાર ગોવિંદભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. તેઓને માથા તેમજ શરીર ઉપરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ગોવિંદભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો ટ્રકચાલક ટ્રકને બિનવારસી હાલતમાં ઘટના સ્થળે છોડી નાસી છુટયો હતો. આ બનાવ અંગે શનાભાઈ ફતેસિંહ પરમારે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:29 pm IST)