Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આણંદ: ઉમરેઠમાં રેલવે ફાટક નજીક જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી 36 હજારની રોકડ જપ્ત કરી

આણંદ:સિલ્કસીટી ઉમરેઠ નગરની ૨૬ નંબરની ફાટક પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલ ગુપ્ત બાતમીના આધારે ઉમરેઠ પોલીસની ટીમે ઓચિંતો છાપો મારીને જુગાર રમી રહેલ આઠ શકુનીઓને રૂા.૩૬ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ તમામ શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન ઉમરેઠની ૨૬ નંબરની રેલ્વે ફાટક પાસે આવેલ સુરેશભાઈ પટેલના ઘરની આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે રાત્રિના સુમારે પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્શોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમી રહેલ સુરેશભાઈ  પુનમભાઈ પટેલ, શૈનીકુમાર સુરેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ માનસિંહ મહીડા, રોહિતભાઈ ભીખાભાઈ પટેલ, જાવેદહુસેન મહંમદહનીફ ચૌહાણ, ગણપતસિંહ સોમસિંહ બોડાણા, કનુભાઈ મંગળભાઈ દેવીપૂજક અને જીતેન્દ્ર ઉર્ફે કાલી ઘનશ્યામભાઈ ભાટીયા (તમામ રહે.ઉમરેઠ) રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે અંગજડતી અને દાવ પરથી રોકડા રૂા.૩૧૭૨૦ તથા ચાર મોબાઈલ ફોન મળી કુલ્લે રૂા.૩૬૬૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઉક્ત તમામ શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:29 pm IST)