Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગાંધીનગરમાં સે-26 જીઆઈડીસીમાં ઈ-બાઇકના માલિકે મિત્ર પાસે રોકાણ કરવાના બહાને પૈસા લઇ છેતરપિંડી આચરતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:શહેરના સે-ર૬ જીઆઈડીસીમાં આવેલી તુનવાલ ઈ-બાઈકના માલિક દ્વારા સે-ર૬ના વેપારી અને તેમના મિત્રને કંપનીમાં રોકાણ કરવાનું કહી અલગ અલગ તબક્કે સાડા ત્રણ કરોડ રૃપિયા જેટલી રકમ લઈને ૪૦ ટકા શેર નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા સંદર્ભે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થવા પામી છે. આ કંપનીના માલિકે જીઆઈડીસીમાંથી યુનિટ બંધ કરીને હવે પુના ખાતે કંપની ખોલી દીધી હોવાનું પણ બહાર આવતાં આ મામલે સીઆઈડી ક્રાઈમે આરોપીને શોધવા અને તેના નિવેદન માટે દોડધામ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-ર૬ જીઆઈડીસીમાં આવેલા ઈલેકટ્રોનિકસ એસ્ટેટમાં પ્લોટ નં.ઈ-૮ર/૮૩માં ન્યુ ગ્રીન સીટી ખાતે રહેતા જગદીશભાઈ મુલચંદભાઈ પટેલ રીઝેક્ટ કંટ્રોલ સિસ્ટમ નામની કંપની ધરાવે છે. તુનવાલ ઈલેકટ્રોનિકસ દ્વારા તેમની કંપનીમાંથી માલ ખરીદાતો હોવાથી તેમના તુનવાલ ઈલેકટ્રોનિકસના માલિક ઝુમરમલ પન્નારામ તુનવાલ રહે.૬રશિવાલીક હોમ્સરાંધેજા સાથે પરિચય થયો હતો. ગત જુલાઈ-ર૦૧૭માં આ ઝુમરમલ તુનવાલે જગદીશભાઈને ઈલેકટ્રીક વાહનના ધંધામાં તેમની કંપનીમાં રૃપિયા રોકાણની વાત કરી હતી. જેથી તેમના મિત્ર પ્રવીણભાઈ ચૌધરીને આ બાબતે જાણ કરતાં આ બન્ને વ્યક્તિઓ સામે ઝુમરમલે મીટીંગ કરી હતી અને કંપનીમાં હાલ બે કરોડ રૃપિયાની ત્રણથી છ મહિના પછી બીજા એક કરોડ રૃપિયાની જરૃર હોવાની વાત કરી હતી. જે પેટે તેમને તુનવાલ ઈ-વ્હીકલ ઈન્ડિયા પ્રા.લિ.ના રપ ટકા શેરની ઓફર કરવામાં આવી હતી. ૮૯ લાખ રૃપિયા જુલાઈ મહિનામાં આપી દીધા બાદ તબક્કાવાર રૃપિયા સમયમર્યાદામાં પુરા કર્યા હતા અને તેમણે જગદીશભાઈને કંપનીના ડાયરેકટર તરીકે નિમણૂંક પણ આપી હતી. આ કંપનીમાં ફલોરીંગના કામ માટે ૩૩.૭૫ લાખ રૃપિયા પણ જગદીશભાઈએ ચુકવ્યા હતા અને કંપનીનું ઉત્પાદન અને વેચાણ પણ વધ્યું હતું. વર્ષ ર૦૧૮ના જાન્યુઆરી મહિનામાં ઝુમરમલે ૪૦ ટકા શેરનો હિસ્સો આપવાની વાત કરી વધુ એક કરોડનું મુડી રોકાણ કંપનીમાં કર્યું હતું. જો કે આઠ-આઠ ટકા શેરની ફાળવણી જગદીશભાઈ અને પ્રવિણભાઈના નામે કરવામાં આવી હતી. ૪૦ ટકા શેર માટે રાહ જોવડાવી હતી. ત્યારબાદ ૧.૧૧ કરોડના શેર પ્રવિણભાઈ અને જગદીશભાઈ પાસે ખરીદાવ્યા હતા. ત્યારબાદ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને ૪૦ ટકા શેર પણ તેમને આપ્યા નહોતા. આ સમયગાળા દરમ્યાન ઝુમરમલે અહીંથી કંપનીને સીફટ કરીને પુના ખાતે કાર્યરત કરી દીધી હતી. જેથી જગદીશભાઈને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ઝુમરમલ પન્નારામ તુનવાલ સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરીયાદ આપતાં તેની સામે ગુનો નોંધીને પોલીસે ધરપકડ માટે દોડધામ શરૃ કરી હતી.

(5:30 pm IST)