Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગાંધીનગરમાં સે-21માં ચિપ ટાઈપ શોપિંગ સેન્ટરની નજીક ગટરોના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક લોકોને રોગચાળાનો ભય

ગાંધીનગર:શહેરમાં સેક્ટર-૨૧માં આવેલાં ચીપ ટાઇપ શોપીંગ સેન્ટરની પાસે છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોનાં ગંદા પાણી વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતાં ગ્રાહકો માટે પણ આફત બન્યાં છે. આ વિસ્તારમાં નિયમિત સફાઇ અંગે કોઇ વ્યવસ્થા નહીં ગોઠવાતાં ગંદકીના ઢગ પણ ઉભા થઇ રહ્યાં છે. ગંદા પાણીની સાથે સાથે કચરો ઠલવાતાં દુર્ગંધનો સામનો પણ લોકોને કરવો પડે છે. ગંદા પાણી સતત વહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જેના પગલે રોગચાળાનો ભય પણ વેપારીઓને સતાવી રહ્યો છે.

ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ સેક્ટર-૨૧માં ચીપ ટાઇપ શોપીંગ સેન્ટરની  આસપાસ સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતાં ખરીદી અર્થે આવતાં નગરજનો તેમજ સ્થાનિક વેપારીઓને પણ હેરાન પરેશાન થવું પડે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા પાણી આફત બન્યાં છે. દુર્ગંધ યુક્ત પાણી વહેતું હોવાના કારણે અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણીની સાથે સાથે કચરો પણ ઠલવાતો હોવાના લીધે ગંદકીમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે ગટરના ગંદા પાણી પણ આ વિસ્તારમાં વહેતાં હોવાથી દુર્ગંધ યુક્ત વાતાવરણ વચ્ચે વેપારીઓને વેપાર કરવાની નોબત આવી છે. રોજના અસંખ્ય લોકો શાકમાર્કેટ તેમજ શોપીંગ સેન્ટરમાં ખરીદી અર્થે આવતાં હોય છે. ત્યારે ગ્રાહકોને પણ દુર્ગંધ યુક્ત વાતાવરણમાંથી અવર જવર કરવી પડે છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં નિયમિત સફાઇ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સેક્ટર-૨૧માં પણ વિવિધ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ઉભરાતી ગટરો અને કચરાના ઢગ શોપીંગ સેન્ટરની આસપાસ ખડકાઇ રહ્યાં છે તે બાબતે પણ યોગ્ય આયોજન કરવામાં આવે તો આ વિસ્તાર પણ સ્માર્ટ બની શકે તેમ છે.

(5:31 pm IST)