Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતના કડોદરા વિસ્તારમાં પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ ભભૂકી :ધુમાડાના ગોટે ગોટા

સુરત,કડોદરા અને બારડોલીના 8થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી પ્રિન્ટિંગ મિલમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાપડના જથ્થામાં આગ લાગતા ઉંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં સુરત,કડોદરા અને બારડોલીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચ્યા હતા. 8થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ પાયલ પ્રિન્ટિંગ મિલમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. મિલમાં કામ કરતાં લોકો આગના કારણે બહાર દોડી આવ્યાં હતાં. બીજી તરફ આગ કાપડના જથ્થામાં લાગતા વધુ વિકરાળ બની હતી. વિકરાળ આગના ધુમાડા ઉંચે આકાશમાં ઉઠતાં દૂર દૂર સુધી દેખાયા હતાં. જેથી રસ્તા પરથી પસાર થતાં લોકોમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.

મિલમાં લાગેલી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. હાલ આગ વિકરાળ હોવાથી અન્ય ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. આગ કાપડના જથ્થામાં લાગી હોવાથી હાલ ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

કાપડની મિલમાં આગ લાગતા ઉંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. મિલમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો હતો. આગ લાગતા આ કાપડનો જથ્તો બળીને ખાખ થઇ ગયો છે. આગના કારણે લાખો રૂપિયાના નુકશાન થવાની આશંકા સેવવામાં આવી રહી છે

(7:08 pm IST)