Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જાતે ઝેર ખાનારના વારસદારને વીમા વળતર ન મળી શકે : પંચ

રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનનો ચુકાદો : ખિસ્સામાંની ઝેરી દવાના પેકેટમાંથી ખાનારા શખ્સને અકસ્માત વળતર ન મળી શકે એવું કમિશનનું તારણ

અમદાવાદ, તા. : જ્યાં સુધી વીમાની રકમની ચુકવણીની વાત છે ત્યાં સુધી ઝેર પીને આત્મહત્યા કરવી આકસ્મિક મૃત્યુ ગણી શકાય નહીં, એમ ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશન દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. કમિશને ૧૯ જાન્યુઆરીએ જિલ્લા ફોરમના આદેશને રદ કર્યો હતો, જેમાં ઝેર દ્વારા મૃત્યુ પામેલ એક વ્યક્તિનાં મોત માટે તેના વારસદારને વીમો આપવાનું કહેવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના કેસમાં મનિષ સોલંકીએ નવેમ્બર ૨૦૧૧માં ઝેર પી લીધું હતું. તેમના મૃત્યુ બાદ પુત્ર જયેશે ગુજરાત અકસ્માત વિમા યોજના હેઠળ એક લાખ રૂપિયાની ચુકવણીનો દાવો કર્યો હતો.

દાવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેમણે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ ફોરમનો સંપર્ક કર્યો હતો. ફોરમને રજૂઆત કરવામાં આવી હતી કે સોલંકી કામ કરી રહ્યા હતા ત્યારે ઝેરી દવાનું એક પેકેટ તેમના ખિસ્સામાં હતું. તેવામાં સોલંકીને અચાનક પેટમાં દુખાવો થયો ત્યારે તેમણે ભૂલથી પેઇન કિલરની જગ્યાએ દવા ખાઈ લીધી હતી. તે ભૂલને કારણે તેમનું મૃત્યુ થયું હતું. દલીલ સાંભળ્યા બાદ સોલંકીનું મૃત્યુ આકસ્મિક છે તેનો નિર્ણય કરતા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે અધિકારીઓને વીમાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

જે બાદ વીમા પ્રદાતાના નિયામકે નિર્ણયને ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચ સમક્ષ જુદા જુદા આધારે પડકાર્યો હતો. પ્રથમ દલીલ હતી કે મૃત્યુ દેખીતી રીતે આત્મહત્યા હતી અને તેને અકસ્માત તરીકે સમજી શકાય અને તેથી સોલંકી ચુકવણી માટે લાયક હતા. બીજી દલીલ હતી કે સોલંકી છૂટક મજૂર નહીં પણ દરજી છે એવું ચોપડે રેકોર્ડ બોલે છે. જ્યારે વીમા યોજના જમીન વિહીન મજૂરો અને તેમના આકસ્મિક મૃત્યુ માટે છે. સોલંકી બંને રીતે વીમાની રકમ મેળવવા માટે લાયક ઠરતા નથી. નિયામક દ્વારા કમિશન સામે આમ કહેવામાં આવ્યું હતું.

જેના જવાબમાં સોલંકીના પુત્રએ પાલિકા ચેરમેને દ્વારા તેમના પિતા કેઝ્યુઅલ મજૂર હોવાનું જાહેર કરતું પ્રમાણપત્ર પંચ સમક્ષ રજૂ કર્યું હતું. સાથે વાત પર ભાર મૂકવામાં આવ્યો કે સોલંકીએ આત્મહત્યા નહોતી કરી પણ તેમનું મોત એક ભૂલ હતી જેથી તેને અકસ્માત ગણવો જોઈએ.

કેસની સુનાવણી બાદ પંચે ફોરમના આદેશને રદ કર્યો હતો. પંચે જણાવ્યું હતું કે સોલંકી પોતાના ખિસ્સામાં ઝેરી દવાનું પેકેટ રાખતો હતો. કમિશને આગળ જણાવ્યું કે, તેમના દ્વારા ઝેરનો વપરાશ કોઈ અકસ્માત હતો અને જેથી કેસ વીમા ચુકવણી માટે લાયક બનતો નથી.

(9:21 pm IST)