Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આચાર્યની ભરતીમાં અનુભવી શૈક્ષણિક કર્મચારીઓને પણ તક આપવા સંચાલક મંડળ દ્વારા સંયુક્ત શિક્ષણ નિયામકને રજુઆત

રાજ્યમાં અંદાજે 15 હજાર કરતા વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા શિક્ષણ કાર્ય ચાલે છે

અમદાવાદ : રાજ્યમાં આવેલી 15 હજાર જેટલી ખાનગી શાળામાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓને પણ આચાર્યની ભરતીમાં તક મળે તે માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની કામગીરીથી લઈને તમામ બાબતોમાં કોઈ જ ભેદભાવ નથી ત્યારે આ શાળાના કર્મચારીઓને પણ આચાર્યની તક મળે તે માટે સંયુક્ત શિક્ષણ નિયામકને ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પત્ર લખી માગણી કરી છે

તેમણે સંયુક્ત શિક્ષણ નિયામકને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા દર વર્ષે શિક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડના કોઈ ભેદભાવ નથી

ધો.10 અને 12ની પરીક્ષાના કામોમાં એટલે કે સુપરવિઝન, ઉત્તરવહી પરીક્ષણ અને પ્રેક્ટીકલ પરીક્ષા જેવા કામોમાં પણ તમામ પ્રકારની શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષાની કામગીરીમાં પણ ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર એવા કોઈ ભેદભાવ નથી

સરકારના વિવિધ કાર્યક્રમો જેવા કે યોગદિન, પતંગોત્સવ, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત, સામાન્ય ચૂંટણીઓ, આરોગ્ય તપાસણી કાર્ય વખતે પણ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ખાનગી શાળાઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ અલગ ધારો કે વિનિયમો નથી અને તેથી જ શાળાઓને લાગુ પડતો ધારો અને વિનિયમો તમામ માટે સમાન છે

બોર્ડ દ્વારા ખાનગી શાળાઓમાં કામ કરતા સ્ટાફ સંદર્ભે રાજ્યના તમામ ડીઈઓને સુચના આપી હતી કે જે તે જિલ્લામાં કાર્યરત સ્વનિર્ભર શાળામાં કામ કરતા સ્ટાફની સ્ટાફ પ્રોફાઈલ મંજૂર કરવી. આમ, બોર્ડના ઠરાવથી ખાનગી સ્ટાફની સ્ટાફ પ્રોફાઈલ મંજૂર થતી હતી. આમ, સ્ટાફ પ્રોફાઈલવાળા કર્મચારીઓને બોર્ડના ઠરાવનું રક્ષણ આપવામાં આવે છે.

શિક્ષણ સહાયક યોજનામાં જે તે શાળામાં જૂના શિક્ષક 1 અને નવા શિક્ષક 3નું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવેલી હતી. શિક્ષણ વિભાગ દ્વારા સ્વયં સ્પષ્ટ સુચના અને ઠરાવ દ્વારા ફલિત થાય છે કે જૂના શિક્ષકને પણ શિક્ષકોને પણ નિયમોનું રક્ષણ મળે છે. જેથી આચાર્યની ભરતીમાં આવા જૂના અનુભવી શિક્ષકોને પણ તક મળવી જોઈએ તેવી માંગણી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં 1994થી સ્વનિર્ભર શાળાઓની મંજૂરી બોર્ડ દ્વારા આપવાની શરૂઆત થઈ અને આજે પણ આ પદ્ધતિ ચાલુ છે. રાજ્યમાં અંદાજે 15 હજાર કરતા વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા શિક્ષણ કાર્ય ચાલે છે. આ શાળાઓમાં કામ કરતા શૈક્ષણિક સ્ટાફને પણ આચાર્યની ભરતીમાં તક મળવી જોઈએ તેવી માંગણી સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કરી છે

(12:09 am IST)