Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વેક્સીન લીધા બાદ વડોદરામાં થયેલ સફાઇ કર્મચારીના મોતને રસીકરણ સાથે કોઇ સબંધ નથી : પીએમ રીપોર્ટ

તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં તેના મૃત્યુ પાછલ હ્રદયની બીમારી હોવાની શંકા

વડોદરા મહાનગરપાલિકામાં સફાઇ સેવકનું રવિવારે કોરોના અંગેની વેક્સિન લીધના બે કલાક બાદ જ મૃત્યુ થયુ હોવાની બનેલી ઘટનામાં મૃતકનું મૃત્યુનો રસીકરણ સાથે કોઇ જ સબંધ ન હોવાનો રિપોર્ટ તબીબી પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ બાદ બહાર આવ્યુ છે. તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં તેના મૃત્યુ પાછલ હ્રદયની બીમારી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, ચોક્કસ કારણ તો ફોરેન્સીક લેબના રીપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે તેમ આજે સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતુ.

ગુજરાતમાં પોલીસ સ્ટાફ, કોર્પોરેશન સ્ટાફ, વહીવટી તંત્રના સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓને વેક્સિન આપવાની કામગીરીની રવિવારથી શરૂઆત થઇ હતી.

જેમાં વડોદરા મહાનગરપાલિકાનાના વોર્ડ નં-૯માં સફાઇ સેવાક તરીકે ફરજ બજાવતાં તથા વડસર વિસ્તારમાં આવેલી ઓમ રેસીડેન્સીમાં રહેતા જીગ્નેશ સોલંકી (ઉ.૩૦)એ પણ રવિવારે બપોરે રસી મૂકાવી હતી. રસી મૂકાવ્યાના બે કલાક બાદ જ સફાઇ કર્મચારી જીગ્નેશ સોલંકીનું મોત નિપજ્યું હતું. જેને કારણે મૃતકના પરિવારજનોએ સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. મૃત્યુક જીગ્નેશ સોલંકીની આજે અંતિમયાત્રા પણ નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મૃતક જીગ્નેશ સોલંકીના મૃતદેહનું તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. આ મામલે વીએમસીના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જીગ્નેશ સોલંકીના મૃત્યુનો રસીકરણ સાથે કોઇ જ સબંધ જોવા મળ્યો નથી. પ્રાથમિક તબક્કે મૃત્યુ કારણ હ્રદયની બીમારી છે. તેમ છતાં ચોક્કસ મૃત્યુનું કારણ ફોરેન્સીક લેબના રીપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરી શકાશે.
વીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં ગત તારીખ ૧૬મી જાન્યુઆરીથી તારીખ ૧લી ફેબ્રુઆરી સુધીમાં ૧૪૯ વેક્સિનેશન સાઇટ પર ૧૨૬૮૪ હેલ્થ કેર વર્કર્સના રસીકરણનો પ્લાન કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ ૧૩૬૮૯ હેલ્થ કેર વર્કર્સને રસીકરણ આપવામાં આવેલ છે. એટલે કે ૧૦૭.૯૨ ટકા કામગીરી કરવામાં આવેલ છે. તારીખ ૩૧મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ રસીકરણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૭૧૧ હેલ્થ કેર વર્કર્સને રસી મુકવામાં આવેલ છે. આ રસીકરણમાં કોવીશીલ્ડ વેક્સિનની અત્યાર સુધી ૧૪૧૬ વાયલ વાપરવામાં આવી છે. રસીકરણમાં પુખ્તવય અને વૃદ્ધ એમ તમામ ઉંમરના હેલ્થ કેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે. જેમાં આજ દિન સુધી કોઇ પણ મેજર AEFI (એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન) જોવા મળ્યા નથી.

(1:02 am IST)