Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અમદાવાદમાં ઠંડી ધુમ્મસ અને ભેજવાળાં વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો

વાયરલ ઈન્ફેક્શનનાં કેસમાં ધરખમ વધારોઃ ગળામાં સોજા સાથે દુખાવો થવો, શરદી, ખાંસીની ફરિયાદ વધુ જોવા મળી રહી છે

અમદાવાદ, તા.૩૧:  શહેરમાં કડકડતી ઠંડી ધુમ્મસ અને ભેજવાળાં વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના હજારો દર્દી નોંધાયા છે. ખાનગી દવાખાનાંમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મિશ્ર ઋતુ અને ઠંડીના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. શીત લહેરને કારણે શરદી-ઉધરસ અને તાવની સાથે સાથે ઝાડા ઊલટીનું પ્રમાણ પણ વધ્યું છે.

અમદાવાદ શહેરમાં  અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે. વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ કેસમાં ઊછાળો જોવા મળી રહ્યો છે. તો શરદી, ઉધરસ, તાવ અને ઊલટીના કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા પણ વધી છે. એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતાં સિવિલમાં લાંબી લાઇન જોવા મળે છે.છેલ્લા ચાર દિવસ દરમિયાન ભેજ તેમજ વરસાદી વાતાવરણની લોકોનાં આરોગ્ય પર વધારે અસર પડી છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી તેમજ ખાનગી દવાખાનાંમાં બમણાંથી વધુ ઓપીડી આવી હતી. જેમાં વાઇરલ ઇન્ફેકશન સાથે સાથે શરદી, ઉધરસના રોગમાં લોકો વધુ સપડાયા છે. તાવ, થોડા સમયથી ભેજવાળું તેમજ વરસાદી વાતાવરણ હોઈને વધુ લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. જિલ્લામાં ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણની પરિસ્થિતિ, તેમજ ક્યાંક ક્યાંક પાણી ભરાવાની સાથે મચ્છર સહિતના જીવ જંતુઓનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. જેના કારણે તાવ, ઝાડા ઊલટી, ડેન્ગ્યુ, મલેરિયા સહિતના કેસ ધ્યાને આવ્યા છે. બાળકોથી લઇને મોટી ઉંમરનાં લોકો પણ શરદી, ઉધરસની ઝપટે ચડી ગયા છે.માવઠું થયા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી ઉપર ગયું છે. જેના કારણે અસ્થમાના દર્દીની હાલત પણ કફોડી બની છે સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. એક જ પરિવારમાં જો કોઈ એકને ડેન્ગ્યુ કે મેલેરિયા કે પછી વાઇરલ ઇન્ફેક્શન થયું હોય તો પરિવારના અન્ય લોકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે. કારણકે ડેન્ગ્યુ ચેપવાળું એક મચ્છર જયારે ઈંડાં મૂકે અને તેમાંથી જો માદા મચ્છર જન્મે તો તે પણ ડેન્ગ્યુના ચેપવાળું જન્મે છે અને તે મચ્છર કોઈને કરડે તો તેને પણ ડેન્ગ્યુ થાય છે, જેના કારણે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રીને પગલે જ ભેજવાળા વાતાવરણમાં ઠેરઠેર બીમારીના ઘર જોવા મળી રહ્યાં છે. ગળામાં સોજા સાથે દુખાવો થવો, શરદી, ખાંસીની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. બાળકોમાં પણ વાઈરલ ફિવરની અસર વધુ વરતાઈ રહી છે.આવા રોગચાળાના સમયે તળેલી વાનગીઓ, ખાંડ, મીઠાઈ, આથાવાળી વાનગી, કેળાં ઠંડાં પીણાં વગેરે ચીજવસ્તુઓ ન લેવી જોઈએ. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલીમાં થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. નાનાં બાળકોને બીમારીથી બચાવવા ભીડવાળી જગ્યા     ટાળવી જોઈએ.સાથે જ જંકફૂડ અને ઠંડાં પીણાં જેવી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું હિતાવહ છે.

(9:37 pm IST)