Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

૭ લાખમાં વેચાયું જુનિયર ક્‍લાર્કનું પેપરઃ ચોંકાવનારો ખુલાસો

પરીક્ષાના ૨૦ દિવસ પહેલા રચ્‍યુ હતુ કાવતરૂ : પ્રિન્‍ટિંગ પ્રેસમાંથી પેપરલીક કરનારા શ્રદ્ધાકર લુહાનીએ ૭ લાખમાં પ્રદીપ નાયકને પેપર વેચ્‍યુ હતુ

અમદાવાદ, તા.૧: રાજ્‍યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવડાવનાર પેપરકાંડના આરોપીઓ ૧૨ દિવસના રિમાન્‍ડ પર છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે ગુજરાત ATSએ હૈદરાબાદ પ્રિન્‍ટિંગ પ્રેસના કર્મચારી એવા શ્રદ્ધાકર લુહાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્‍ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીને ૧૪ દિવસના રિમાન્‍ડ ઉપર સોંપ્‍યો હતો. ત્‍યારે તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી શ્રદ્ધાકર લુહાનીએ પ્રદીપ નાયકને ૭ લાખ રૂપિયામાં પેપર વેચ્‍યું હોવાનું સામે આવ્‍યું છે.

પ્રિન્‍ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાનીએ પેપરની કોપી આપવા સમયે સ્‍માર્ટ ફોન અને ૭૨ હજાર રૂપિયા પડાવ્‍યા હતા, જ્‍યારે પ્રદીપ નાયકે બાકીના રૂપિયા પેપર પૂર્ણ થયા બાદ આપવાનો વાયદો કર્યો હતો. શ્રદ્ધાકરે પ્રિન્‍ટિંગ પ્રેસમાંથી પેપર લાવીને પ્રદીપ નાયકને આપ્‍યું હતું

પેપર કાંડની સમગ્ર ચેઇનની વાત કરવામાં આવે તો પરીક્ષાના ૨૦ દિવસ પહેલા કાવતરું રચ્‍યું હતું. જેમાં કે.એલ.હાઇટેક પ્રિન્‍ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાણાએ આરોપીને પેપર આપ્‍યું હતું. જેના બદલામાં આરોપી પ્રદીપકુમારે શ્રદ્ધાકરને રૂ.૭ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. વધુમાં પ્રદીપકુમારે મોરારી પાસવાન, નરેશ મોહંતીને ૫-૫ લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું.

મોહંતીને ૫-૫ લાખમાં પેપર વેચ્‍યું: ત્‍યારબાદ આરોપી મોરારી પાસવાને કમલેશને રૂ.૬ લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. તેમજ કમલેશએ મહંમદ ફિરોઝને રૂ.૭ લાખમાં પેપર વેંચવાનું નક્કી કર્યાનો પણ ધડાકો થયો છે. વધુમાં આરોપી મહંમદ ફિરોઝ સર્વેશને રૂ.૮ લાખમાં પેપર વેચવાનું અને સર્વેશે પ્રભાત કુમાર, મુકેશ, મિન્‍ટુએ રૂ.૯ લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. તો મિન્‍ટુ કુમારે આ પેપર ભાસ્‍કર ચૌધરીને રૂ.૧૦ લાખમાં અને ભાસ્‍કર ચૌધરીએ કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાનને રૂ.૧૧ લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. સાથે સાથે કેતન, અનિકેત ભટ્ટ, રાજ બારોટ, હાર્દિક શર્મા, પ્રણય શર્માએ તેમના ઓળખીતાઓને રૂ.૧૨ લાખમાં પેપર પહોંચાડી કાળી કમાણી કરવા કારસ્‍તાન ગોઠવ્‍યું હોવાનો ધડાકો થયો છે.

આ ઉપરાંત પેપરલીક કાંડના આરોપી ભાસ્‍કર ચૌધરી મામલે પણ ખુલાસો થયો છે. જેમાં આરોપી ભાસ્‍કર ચૌધરી પોતાને શિક્ષણ ક્ષેત્રમાં નંબર વન એક્‍સપર્ટ ગણાવતો હતો. એટલું જ નહિ તે ક્‍લાસીસ ચલાવતો જેમાં JEE સહિતની પરીક્ષાઓ પણ લેવાતી હતી. ભાસ્‍કર ચૌધરીનું દિલ્‍હીમાં પણ એક ક્‍લાસીસ આવેલું છે. દિલ્‍હીથી પણ અન્‍ય રાજ્‍યમાં એડમિશન અપાવતો હતો. તેમજ ગુજરાત બહાર મેડિકલ-એન્‍જિનિયરિંગના વિદ્યાર્થીઓને એડમિશન પણ અપાવતો હતો. સાથે કોલેજો-યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવા માટે કન્‍સલ્‍ટિંગનું પણ કામ કરતો હતો. જાણવા મળતી વિગત અનુસાર છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન અપાવ્‍યાનો દાવો કરતો હતો. વડોદરા ખાતે આવેલા તેના ક્‍લાસીસને સીલ મારી દેવામાં આવ્‍યું છે.

(11:56 am IST)